Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

૧૬% ટકા સસ્તું સોનું ખરીદવું છે ? આ રહ્યો રસ્તો

નવી દિલ્હી તા. ૧૩ : પણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે સોનાને રોકાણ તરીકે ખરીદે છે. અને આ એક પરંપરા તરીકે લેવામાં આવે છે. કોમોડિટીનું રોકાણ અન્ય રોકાણ કરતા અલગ હોય છે અને સોનામાં જેમને રોકાણ કરવું હોય તેમના માટે સોવરેન ગોલ્ડ બોન્ડ પણ છે. સ્કીમનો હેતુ લોકોને ફિઝિકલ સોના કરતા બોન્ડમાં રોકાણ કરતા કરવાનો છે. આ સ્કીમમાં હવે સરળતાથી રોકાણ કરી શકાશે. સોવેરેન ગોલ્ડ સ્કીમ દ્વારા રોકાણકાર પેપર ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. રોકાણકારો કોઇ પણ સમયે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં આ બોન્ડમાં ૧૦ ગ્રામ સોનું ૩૦,૫૦૦ રૂપિયાનું મળી રહ્યુ છે. જેનો મતલબ એક ગ્રામ ૨૬૦૦ થી ૨૭૦૦ રૂપિયા સુધી થયુ. જે માર્કેટ રેટ કરતાં ૧૬ થી ૧૭ ટકા સસ્તુ થયું છે. આજે જયારે ડોલર મજબુત બની રહ્યો છે અને ઈકિવટીમાં ધોવાણ ચાલી રહ્યુ છે ત્યારે આ બોન્ડમાં રોકાણ કરવું સલાહ ભર્યુ છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ એ સેકંડરી માર્કેટમાં મળતુ બોન્ડ છે. જેમાં તમે ૨૪ કેરેટ શુધ્ધ સોનું ખરીદી શકો છો. જેનાં પર તમને ૨.૫ ટકા લેખે વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સોનું ડિમેટ કે પેપર ફોર્મેટમાં ખરીદી શકાય છે એટલે એને સાચવવાની ઝંઝટ નથી રહેતી. આમાં મિનિમમ ૧ ગ્રામથી ૪ કિલો ગ્રામ સુધી સોનું ખરીદી શકાય છે. આનું વ્યાજ છ મહિને તમારા એકાઉન્ટમાં જમા થાય છે.

આ બોન્ડમાં મેચ્યોરિટી પીરિયડ પછી તે બોન્ડ પર રોકાણ વ્યાજ સહિત પાછુ મળે છે. તેનાં વ્યાજ પર ટેકસ રિબેટ પણ મળે છે. આ બોન્ડમાં ૫,૬,૭, કે ૮ વર્ષનાં રોકાણનાં વિકલ્પ પણ છે. (૨૧.૭)

 

(11:35 am IST)