Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભેદભાવને કારણે ગુજરાતે દર વર્ષે ગુમાવી ૯૦૦૦ દીકરીઓ

'ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ'નો ચોંકાવનારો રિપોર્ટ : ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા ૮૮૬: પુત્રનો મોહ, છોકરીઓને જન્મ ન આપવો, જન્મ બાદ પુરતી કાળજી ન લેવી જેવા કારણો મોત માટે જવાબદારઃ મૃત્યુદર મામલે ગુજરાત દેશમાં છઠ્ઠુ

નવી દિલ્હી તા. ૧૩ : ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, બાળકીઓ પ્રત્યે ગુજરાતનું વલણ પૂર્વાગ્રહભર્યું છે. ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ૮૮૬ જ છે. આ સંખ્યા પાછળ છોકરીઓને જન્મ ન આપવા સિવાય જન્મ બાદ તેની પૂરતી કાળજી ન લેવાના કારણે થતું મોત પણ જવાબદાર છે. આજના જમાનામાં પણ પુત્રનો મોહ છોકરીઓને ભરખી જાય છે.

ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વધતા મૃત્યુદરના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ૧૯૯૬થી ૨૦૧૧ સુધીમાં દર વર્ષે સરેરાશ ૯,૩૩૧ બાળકીઓના મોત થયા છે. IIASA (ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર એપ્લાઈડ સિસ્ટમ એનાલિસીસ) દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે ૨.૩૯ લાખ બાળકીઓના મોત થાય છે.

વધારાનો મૃત્યુદર એટલે બંને જાતિમાં અપેક્ષિત અને અવલોકન કરેલા મૃત્યુદરનો તફાવત. પાંચ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના વધારાના મૃત્યુદર મામલે ભારત દેશમાં છઠ્ઠા સ્થાને છે. ૧૦૦૦ જીવિત જન્મેલી બાળકીઓમાંથી પાંચ વર્ષથી ઓછી ઉંમરની ૧૬ બાળકીઓ મોતને ભેટે છે. ઉત્તરપ્રદેશ છોકરીઓના વધારાના મૃત્યુદર મામલે ટોચ પર છે. ઉત્તરપ્રદેશમાં વાર્ષિક સરેરાશ ૭૬,૭૦૦ છોકરીઓના મોત થાય છે. ત્યાર બાદ બિહાર (૪૨,૫૦૦), રાજસ્થાન (૨૦,૯૦૦) આવે છે. તો અમદાવાદ જિલ્લામાં સરેરાશ વાર્ષિક ૧૫૦૦ બાળકીઓના મોત થાય છે. ત્યાર બાદ વડોદરા (૬૭૨) અને ભાવનગર (૫૪૧)નો ક્રમ આવે છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, 'શિક્ષણનો અધિકાર, રોજગારી કે પ્રતિનિધિત્વના મુદ્દાઓ કરતાં પણ જાતિગત સામાનતાનો મુદ્દો ઉપર છે. છોકરીઓને પણ છોકરાઓ જેટલી જ સંભાળ, રસીકરણ અને પોષણ મળે તો બાળકીઓ જીવી શકે છે. ગુજરાતે બાળકીઓ પ્રત્યેનું વલણ બદલવું જ પડશે.' IIASAના રિસર્ચરે જણાવ્યું કે, ૧૯૯૬થી ૨૦૧૧ની વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનો વધારાનો મૃત્યુદર વાર્ષિક ૬,૫૩૪થી ૧૨,૧૨૮ સુધી પહોંચ્યો. રાજયએ સરેરાશ વાર્ષિક ૯,૩૩૧ બાળકીઓ ગુમાવી છે. SRS (સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે), ૨૦૧૭ પ્રમાણે ૧૦૦૦ છોકરાઓની સામે ૨૦૧૭માં રાજયમાં છોકરીઓની સંખ્યા ૮૪૮ પર પહોંચી છે. ૨૦૦૫-૦૭માં આ આંકડો ૮૯૧ પર હતો.

IIASAના ડો. નંદિતા સૈકાએ જણાવ્યું કે, 'છોકરીઓનો વધારાનો મૃત્યુદર ઘટાડવા માટે જાતિગત ભેદભાવને ભૂલીને તેમને પણ યોગ્ય સાર-સંભાળ અને પોષણક્ષમ ખોરાક આપવો જરૂરી છે. પછાત સામાજિક વિકાસ અને પિતૃપ્રધાન સામાજિક વ્યવસ્થા હોય તેવા વિસ્તારોમાં છોકરીઓ પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. આવા વિસ્તારોમાં સુધારો થાય તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ. જયાં સુધી પુત્ર જન્મ પ્રત્યેનો મોહ નહીં ઘટે ત્યાં સુધી આ સ્થિતિમાં સુધારો મુશ્કેલ છે.'(૨૧.૯)

(11:29 am IST)