Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મોદી સરકાર પેન્શન સ્કીમ લાવી ધડાકો કરશે

અમેરિકાની જેમ સોશ્યલ સિકયુરીટી આપશે સરકારઃ ચૂંટણી પહેલા જ અસંગઠિત સેકટરના લોકોને રાજી કરી દેવાશેઃ દરેક વ્યકિતને પેન્શન મળે તેવી સ્કીમ

નવીદિલ્હી તા.૧૩: ભાજપા અને મોદી સરકાર મિશન ૨૦૧૯ માાટે ખાલી આયુષ્યમાન ભારતને જ નહીં પણ સોશ્યલ સિકયુરીટીને પણ એક મોટા ચૂંટણી હથિયાર તરીકે વાપરી શકે છે. ચૂંટણી પહેલા જ સરકાર સોશ્યલ સિકયુરીટીના રૂપમાં અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પેન્શન સ્કીમ રજુ કરે તેવી યોજના બનાવાઇ રહી છે. જેના દ્વારા લોકોને બતાવાશે કે જો મોદી સરકાર ફરીથી સત્તા પર આવશે તો દરેક વ્યકિતને રીટાયરમેન્ટ પછી પેન્શન મળશે. ભાજપા નેતાઓનું કહેવું છે કે આના દ્વારા પ્રજાને સંદેશ આપવામાં આવશે કે સત્તામાં પાછા ફર્યા પછી દેશના લોકોને અમેરિકાની જેમ સામાજિક સુરક્ષા મળી શકશે.

સુત્રોનું કહેવું છે કે સરકારી સ્તરે આ યોજના માટે ઝડપથી કામગીરી થઇ રહી છે. રાજયો સાથે પણ વાતચીત થઇ રહી છે. જોકે સરકાર પેન્શનની બધી યોજનાઓને એક જ સિસ્ટમ હેઠળ લાવવા માંગે છે. જેનાથી દરેક વ્યકિતને ઓછામાં ઓછી એક જગ્યાએથી પેન્શન મળશે. અત્યારે કેન્દ્ર અને રાજયના કર્મચારીઓને પેન્શન મળે છે. જયારે કેટલીક જગ્યાએ બુઝર્ગ પેંશન તો કયાંક વિધવા પેંશન છે. જો કે હજી એ સ્પષ્ટ નથી થયું કે આના માટે કેટલું ધનભંડોળ જોઇશે.

રીટાયરમેંટની ઉંમરે જ મળશે પેંશન

સુત્રો અનુસાર આ યોજનામાં એવી જોગવાઇ થઇ રહી છે કે રીટાયરમેંટની ઉંમરે જ પેંશન મળે. પેંશનની રકમ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. ભાજપા નેતાઓને લાગે છે કે ચૂંટણી પહેલા સરકાર આ યોજનાનું ફકત માળખું જ રજુ કરશે અને જણાવશે કે જો તે સત્તામાં પાછી આવશે તો તેનો અમલ કરશે.

ભાજપાના એક નેતાનું કહેવું છે કે, ઓને સામાજિક સુરક્ષાનું નામ અપાશે જેથી એવો સંદેશો આપી શકાય કે ભારતમાં પણ અમેરિકાની જેમ લોકોને સામાજિક સુરક્ષા અપાય છે. પણ આ પહેલા પણ ઉજજ્વલા, સોૈભાગ્ય જેવી યોજનાઓ સામાજિક બદલાવ માટે રજુ કરી ચુકી છે. સામાજિક સુરક્ષાની આ યોજના તેના માટે ચૂંટણીમાં ટ્રમ્પ કાર્ડ સાબીત થઇ શકે છે.(૧.૩)

(10:21 am IST)