Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દર વર્ષે વિશ્વમાં ૮ લાખ લોકો કરે છે આપઘાત

વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે પર WHOનો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૩ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) અનુસાર દુનિયામાં દર વર્ષે આશરે આઠ લાખ લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દે છે. ખાસ વાત એ છે કે, ૨૦૧૬માં આત્મહત્યા કરનારા મોટાભાગના લોકોની ઉંમર ૧૫-૨૯ વર્ષની રહી. જણાવી દઈએ કે, WHO દ્વારા સોમવારે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે પર આયોજિત એક સમારોહમાં WHO તથા કેનેડાના માનસિક સ્વાસ્થ્ય આયોગે આત્મહત્યા રોકવામાં સમુદાયોની સહાય માટે એક ટૂલકિટ રજૂ કરી હતી. અહીં લોકોને આત્મહત્યા કરનારાઓ વિશે જાણકારી આપવામાં આવી.

રિપોર્ટ અનુસાર, ૨૦૧૬માં આત્મહત્યા કરનારા લોકોમાં મોટાભાગના લોકો એવા હતા જેઓ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા હતા. સમારોહમાં જણાવવામાં આવ્યું કે, દુનિયામાં એવી આત્મહત્યા જેવી ઘટનાઓ વધી રહી છે અને દર વર્ષે ૮ લાખ લોકો આત્મહત્યા કરે છે. એક અનુમાન પ્રમાણે દુનિયામાં ૨૦ ટકા લોકો આત્મહત્યા કરવા માટે ઝેરનો ઉપયોગ કરે છે.

રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, મોટાભાગના લોકો ગ્રામીણ અને ખેતી આધારિત આવક ધરાવતા દેશો સાથે સંબંધ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર એજન્સીઓએ કહ્યું કે, આત્મહત્યા માટે ઝેર બાદ ફાંસી અને આગનો ઉપયોગ કરવામાં આવે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધારે આવક ધરાવનારા દેશોમાં મોટાભાગની આત્મહત્યાઓ ડિપ્રેશન અને રિસ્ટ્રિકશનના કારણે કરવામાં આવે છે.(૨૧.૩)

(10:19 am IST)