Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દેશના ૧II લાખ ગામડા પાકા રસ્તાથી જોડી દેવાશેઃ કામ પૂરજોશમાં: રોજનો ૧૩૪ કિ.મી. રસ્તો બને છે

કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી તોમરનો નિર્દેશઃ મધ્ય પ્રદેશની શ્રેષ્ઠ કામગીરીઃ ગ્રીન ટેકનોલોજી અપનાવી

નવી દિલ્હી, તા. ૧૨ :. દેશના દોઢ લાખ ગામડાઓને પાકી સડક જેવી કે ડામર કામ અને અન્ય પાકા કામકાજથી જોડી દેવાનું મહાઅભિયાન શરૂ કરી દેવાયુ છે અને આ સાથે વડાપ્રધાન ગ્રામ્ય સડક યોજનાનો ત્રીજો ભાગ પણ ઝડપથી શરૂ કરી દેવાશે.

કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ઉમેર્યુ હતું કે ત્રીજા ભાગમાં કુલ સવા લાખ કિ.મી. લાંબા રસ્તાનું નિર્માણ કરાશે. જ્યારે નકસલવાદીઓથી ત્રસ્ત વિસ્તારમાં સાડા પાંચ હજાર કિ.મી. લાંબા પાકા રસ્તા બનાવાશે.

તેમણે ઉમેર્યુ હતુ કે, પહેલા દરરોજ ૭૪ કિ.મી. લાંબો રસ્તો બનાવાતો હતો તે હવે દરરોજ ૧૩૪ કિ.મી. લાંબો રોડ બનાવાય છે અને આ ઝડપને કારણે પ્રથમ ભાગનું કામ ઝડપથી પુરૂ કરી લેવાશે.

તેમણે ઉમેર્યુ હતુ કે જે રાજ્યોએ અન્ય યોજનાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે તેમને કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ પુરસ્કાર અપાયો છે અને આ પુરસ્કારને કારણે રાજ્યો વચ્ચે જબરી સ્પર્ધા પણ જામી હતી.

શ્રી તોમરે જણાવ્યુ હતુ કે મધ્ય પ્રદેશ જેવા રાજ્યોએ ગ્રામ્ય સડક યોજનામાં જબરૂ કામ કર્યુ છે ત્યાં ગ્રીન ટેકનોલોજીનો પ્રયોગ કરી સૌથી વધુ રસ્તાઓ ગામડાઓ માટે બનાવ્યા છે.

(3:45 pm IST)