Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વિશ્વમાં ૨૬૦૦ અબજ ડોલરનો થાય છે ભ્રષ્ટાચાર : ગ્લોબલ GDPને ૫%નું નુકસાન

દુનિયાભરમાં વ્યાપ્ત હિંસક આંદોલનો અને આતંકને કાબુમાં લેવા નાણાના ગેરકાયદે પ્રવાહને રોકવા યુએનની વિશ્વને અપીલ

યુનો તા. ૧૨ : વિશ્વના તમામ દેશોના કુલ ભ્રષ્ટાચારનું મૂલ્ય કેટલું હશે? આશરે ૨.૬ હજાર અબજ ડોલર. આ આંકડો વૈશ્વિક જીડીપીના પાંચ ટકા જેટલો થવા જાય છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે મની લોન્ડરિંગ અને અર્થતંત્રોમાં ગેરકાયદે રીતે વહેતા નાણાંને કાબૂમાં રાખવા વિશ્વભરના દેશોને અપીલ કરી ત્યારે આ આંકડા જાહેર કર્યા હતા.

એન્ટોનિયો ગુટરેસે કહ્યું હતું કે, વિશ્વ બેંકના આંકડા પ્રમાણે દુનિયાભરના કોર્પોરેટ હાઉસ અને વ્યકિતઓ વર્ષેદહાડે કુલ એક હજાર અબજ ડોલરની લાંચ આપે છે. વૈશ્વિક શાંતિ માટે ભ્રષ્ટાચારને પણ કાબૂમાં રાખવો જરૂરી છે. ધનિક કે ગરીબ, વિકાસશીલ કે વિકસિત અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી વિશ્વના તમામ દેશોમાં ઓછેવત્તે અંશે ભ્રષ્ટાચાર છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આંકડા પ્રમાણે, વિશ્વમાં બે હજાર અબજ ડોલરથી પણ વધુ ભ્રષ્ટાચાર થાય છે. યુએન સિકયોરિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને યુએનમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ કહ્યું હતું કે, દુનિયાભરમાં વ્યાપેલી હિંસા અને આતંકમાં ભ્રષ્ટાચારની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. તેની અવગણના ના કરી શકાય.

હાલમાં જ યુએન સિકયોરિટી કાઉન્સિલે ભ્રષ્ટાચાર ખતમ કરવાના એજન્ડા સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભ્રષ્ટાચારના કારણે કેવી રીતે હિંસા ફેલાય છે એ વાત કરવામાં આવી હતી. ગુટરેસે કહ્યું હતું કે, દુનિયાના અનેક દેશોના લોકો તેમના ભ્રષ્ટાચારી નેતાઓ પર ગુસ્સે છે. આ વાત જ સાબિત કરે છે કે, વૈશ્વિક સમાજમાં ભ્રષ્ટાચાર ઊંડે સુધી ઘૂસી ગયો છે.

અમે વિશ્વભરના દેશોની સરકારોને વધુ પારદર્શક અને જવાબદાર રીતે વર્તવાની અપીલ કરીએ છીએ. અમે દુનિયાભરના નેતાઓને છેક છેવાડાના માણસને ફાયદો થાય એ રીતે કામ કરવાનું પણ સૂચન કરીએ છીએ. આ દુષણના કારણે સૌથી ગરીબ માણસોને જ વધુ ભોગવવાનું આવે છે. શસ્ત્રોના ગેરકાયદે વેપાર, ડ્રગ્સનો કારોબાર, આતંકવાદ અને કટ્ટરવાદ જેવી અનેક મુશ્કેલીઓના મૂળમાં ભ્રષ્ટાચારમાંથી મેળવેલું ધન જવાબદાર છે.

ગુટરેસે માહિતી આપી હતી કે, હાલમાં જ યુએનએ ડ્રગ્સ અને ગુનાખોરીને લગતું એક વ્યાપક સર્વેક્ષણ કર્યું ત્યારે માલુમ પડયું હતું કે, અનેક દેશોમાં સત્તાધારી નેતાઓ અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારના કારણે આ દુષણ વધુ ઊંડુ બને છે. આ માટે દરેક દેશે એન્ટિ કરપ્શન કમિશનની રચના કરીને એ દિશામાં કામ કરવું જોઈએ.(૨૧.૪)

(9:47 am IST)