Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

તિરંગા યાત્રા દરમ્યાન નીતિન પટેલને ગાયે હડફેટે લીધાઃ ઢીંચણમાં ઇજા પહોંચી

સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાઃ કડીની ઘટના

કડી, તા.૧૩: ગુજરાતમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે આવામાં પૂર્વ ડેપ્યુટી ઘ્પ્ નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ને રખડતી ગાયે અડફેટે લીધા, સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા.  જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. પરંતુ તેઓની વ્હીલચેર પરની તસવીર ચર્ચા જગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત આ વર્ષે આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. કારણ કે, ૧૫ ઓગસ્ટે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણી કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. જેને લઈ આજે કડીમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હોઇ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ આ રેલીમાં જોડાયા હતા. જોકે આ રેલી દરમ્યાન એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અવાર નવાર શહેરીજનો દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના નધરોળ વહીવટ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં આજ દિન સુધી તંત્ર અને પાલિકા બન્ને વામણા પૂરવાર થયા છે. શહેરીજનોને ભોગવવી પડતી રખડતાં ઢોરોની સમસ્યા દુર કરવા તંત્ર કુંભકર્ણની નિંદ્રા માંથી બહાર આવી નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

(3:36 pm IST)