Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઈચ્છા મૃત્યુ માટે સ્વિત્ઝરલેન્ડ જવા માગતા મિત્રની યાત્રા પર રોકની અપીલ

બેંગલોરની મહિલાની મિત્ર બચાવવા વિચિત્ર અરજી ઃ પિટિશનમાં મહિલાએ કહ્યું કે, મિત્ર ક્રોનિક ફટિગ સિન્ડ્રોમથી પિડાય છે અને તેનાથી પરેશાન થઈ ગયેલ છે

નવી દિલ્હી, તા.૧૨ ઃ બેંગ્લોરની એક ૪૯ વર્ષીય મહિલાએ પોતાના મિત્રની યુરોપ યાત્રા પર રોક લગાવવા માટે કોર્ટમાં અપીલ કરી છે. આની પાછળનુ કારણ એ છે કે, મહિલાનો મિત્ર સ્વીત્ઝરલેન્ડમાં જઈને મોતને ભેટવા માંગે છે. કારણકે ભારતમાં ઈચ્છા મૃત્યુની પરવાનગી કાયદો આપતો નથી અને સ્વીત્ઝરલેન્ડમાં ઈચ્છા મૃત્યુની અનુમતી છે.

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પિટિશનમાં મહિલાએ કહ્યુ છે કે, મારો મિત્ર ક્રોનિક ફટિગ સિન્ડ્રોમથી પિડાય છે અને તેનાથી પરેશાન થઈને તે સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લઈને ત્યાંના ડોકટર સાથે ઈચ્છા મૃત્યુ અંગે સલાહ લેવા માંગે છે.

મહિલાએ આ વ્યક્તિને પોતાનો નિકટનો મિત્ર ગણાવ્યો છે.જે નોઈડાનો રહેવાસી છે. તેને ૨૦૧૪માં બીમારીના લક્ષણ દેખાયા હતા. આઠ વર્ષમાં તેની હાલત વધારે બગડી હતી અને તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો હતો.એમ્સમાં તેની ફેકલ માઈક્રોબાયોટા ટ્રાન્સ્પ્લાન્ટેશન થકી સારવાર ચાલી રહી હતી પણ આ માટે જરૃરી ડોનર કોરોનાકાળ દરમિયાન મળ્યો નહોતો.

મહિલાએ કહ્યુ છે કે, મારો મિત્ર તેના માતા પિતાનુ એકનુ એક સંતાન છે.તેની એક બહેન છે.મહિલાએ કોર્ટને કરેલી પિટિશનમાં આ વ્યક્તિએ મોકલેલો એક સંદેશો પણ સામેલ છે.જેમાં તેણે કહ્યુહ તુ કે, હવે બહુ થઈ ગયુ ...મારે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મહિલાના મતે આ વ્યક્તિ પૈસા પાત્ર છે અને તે વિદેશમાં પણ સારવાર કરાવી શકે તેમ છે. પરંતુ તે પોતાના ઈચ્છા મૃત્યુ પર અડગ છે. આ પહેલા પણ તે જુન મહિનામાં સ્વિત્ઝરલેન્ડ ઈચ્છા મૃત્યુ અંગે તપાસ કરવા માટે જઈ આવ્યો હતો.

મહિલાના દાવા પ્રમાણે તેના મિત્ર પાસે સારવારના નામે યુરોપના વિઝા પહેલેથી જ છે. તે સ્વિસ શહેર જ્યુરિચના એક સંગઠનના માધ્યમથી ઈચ્છા મૃત્યુ મેળવવા માંગે છે. આ સંગઠન વિદેશીઓને ઈચ્છા મૃત્યુ માટે મદદ કરતુ હોય છે.

ભારતમાં ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, એવા અસાધ્ય રોગી કે જેઓ કોમામાં જતા રહ્યા હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોય તેમના પરિવારજનોની પરવાનગીથી ડોકટરો ધીરે ધીરે આવા ર્દદીઓનો લાઈફ સપોર્ટ ઘટાડી શકે છે.

 

(12:00 am IST)