Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

tiktok ની ફરીવાર થશે ભારતમાં એન્ટ્રી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદી શકે છે.એપ્પ

વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં : રિલાયન્સ સમૂહ આ શોર્ટ વીડિયો આધારિત એપમાં રોકાણની શોધે છે તક

મુંબઈ : ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી TikTokમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, તો આ વાતચીત હાલ શરૂઆતી તબક્કામાં છે અને રિલાયન્સ સમૂહ હજુ આ શોર્ટ વીડિયો આધારિત એપમાં રોકાણની સંભાવનાઓ શોધી રહ્યું છે.

 ભારતે જૂનમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં શોર્ટ વીડિયો એપ Tiktok પણ હતી, ત્યારબાદ જુલાઈના અંતમાં પણ 15 અન્ય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતમાં પ્રતિબંધ બાદ અમેરિકામાં પણ Tiktok પર પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી હતી. અમેરિકાએ Tiktokની સામે ચીન સાથે સંબંધ તોડવાની શરત રાખી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે Tiktokનો ભારતમાં કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદી શકે છે.

મહત્વનું છે કે ભારતમાં પ્રતિબંધ બાદ ByteDanceની માલિકી વાળી કંપની Tiktok ને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પરંતુ હજુ રોકાણને લઈને રિલાયન્સ અને ByteDance તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં ગલવાન ઘાટીમાં 20 ભારતીયોની શહીદી બાદ ભારતમાં 59 ચીની એપ્લિકેશનને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. ભારતે પોતાના નિર્ણય પાછળ સૌર્વભૌમત્વ, સુરક્ષા અને નિજતાનો હવાલો આપતા પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. મહત્વનું છે કે Tiktok પર ચીનની સરકારની સાથે યૂઝરનો ડેટા શેર કરવાના આરોપ લાગતા રહ્યાં છે.

Tiktok સિવાય યૂસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઇટ, હેલો, લાઇક સહિત ઘણી એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બાયડૂ મેચ, કેવાઈ, ડીયૂ બેટરી સ્કેનર પર પણ પ્રતિબંધ છે. મહત્વનું છે કે સરકારે આ ચીની એપ્સ પર આઈટી એક્ટ 2000 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે.

હાલ માનવામાં આવી રહ્યું છે કે Tiktokના ભારતીય બજારને રિલાયન્સના હાથે વેચવામાં બાઇટડાન્સને સફળતા મળી શકે છે. રિલાયન્સ માટે પણ આ ફાયદાનો સોદો થઈ શકે છે. તેનું કારણ છે કે ભારતમાં Tiktok એપ ખુબ પોપ્યુલર હતી. તેના પર પ્રતિબંધ લાગ્યા બાદ ભારતીય યૂઝરને તેનો વિકલ્પ મળી શક્યો નથી. આ કારણે જો Tiktok ફરી શરૂ થાય તો, તેને જબરદસ્ત પ્રતિસાદ મળશે.

(8:42 pm IST)