Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના પોઝિટિવ, અયોધ્યા ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોદી સાથે થયા હતા સામેલ

મહંતને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હાલ તેમને ઓકસીજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

મથુરાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક બગડી છે. તેમને સારવાર માટે ગુરુગ્રામની વેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેઓ મથુરામાં જન્માષ્ટમી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. નૃત્ય ગોપાલ દાસને કોરોના પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના કહેવા મુજબ, મહંતને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હાલ તેમને ઓકસીજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.   સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, સીએમ યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી છે. તેમણે મથુરાના જિલ્લા અધિકારી અને મેદાંતા હોસ્પિટલના ડોકટર સાથે વાતચીત કરી છે. મહંત નૃત્ય ગોપાલ દાસ રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે મંચ પર હતા. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પણ છે. જન્માષ્ટમીના અવસર પર તેઓ દર વર્ષે મથુરા આવે છે. આ વખતે તેઓ બાલ ગોપાલના અભિષેક માટે અયોધ્યાથી પવિત્ર સરયૂ નદીનું જળ પણ લાવ્યા હતા. 

(3:24 pm IST)