Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

હિન્દુ દેવતાની વિરુદ્ધ પોસ્ટ કરવા મામલે AAPએ પૂર્વ ધારાસભ્ય જરનેલ સિંહને કર્યા સસ્પેન્ડ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ તેમના એક ભૂતપૂર્વ ધારાસભ્યને હિન્દુ દેવીઓની વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા માટે સસ્પેન્ડ કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય રહી ચૂકેલા જરનેલ સિંહે ફેસબુક પર તેમના પેજ પર હિન્દુત્વની વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જો કે વિરોધ બાદ તેમણે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે સફાઈ આપતા જણાવ્યું હતું કે, આ પોસ્ટ તેમણે નહીં પરંતુ તેમના દિકરાએ કરી હતી. 

આમ આદમી પાર્ટીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, જરનેલ સિંહને પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પાર્ટીની પીએસી બેઠકમાં લેવામાં આવ્યો છે. આપ એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે અને તેમાં કોઈપણ ધર્મના પ્રતિ અનાદર વ્યક્ત કરવાની કોઈ જગ્યા નથી. આમ આદમી પાર્ટી જરનેલ સિંહના નિવેદનની આકરી ટિકા કરે છે. 

જરનેલ સિંહ પત્રકાર પણ રહી ચૂક્યા છે. તેમણે 1984માં શિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકાને પગલે 2009માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તત્કાલિન કેબિનેટ મંત્રી પી. ચિદમ્બરમ પર બૂટ ફેંક્યો હતો. જરનેલ સિંહ 2014માં આપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી જો કે તેમને હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ 2015માં સિંહે રાજૌરી ગાર્ડન બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 

(11:51 am IST)