Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

માર્કેટમાં હાહાકારના કારણ

આર્જેન્ટીનાની કરન્સીમાં ઘટાડો પણ કારણરુપ

     મુંબઈ, તા. ૧૩ :શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં મૂડીરોકાણકારોએ જંગી નાણાં ગુમાવી દીધા હતા. સેંસેક્સ માટે મંગળવારનો દિવસ મંગળકારી રહ્યો ન હતો. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે જોરદારરીતે ઘટી ગયો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૮૬૭ અને ૨૪૪ પોઇન્ટ સુધી ઘટી ગયા હતા જેથી કારોબારના અંતે સ્થિતિમાં આંશિક સુધારો થયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૬૨૪ પોઇન્ટ ઘટીને ૩૬૯૫૮ની સપાટીએ રહ્યો હતો. બજારમાં તીવ્ર કડાકાના મુખ્ય કારણ નીચે મુજબ છે.

અમેરિકા-ચીન ટ્રેડવોર

માર્કેટમાં ઘટાડા માટે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બંને દેશો વચ્ચે આગામી મહિને યોજાનાર મંત્રણા ઉપર શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. આ ઉપરાંત ચીની ચીજવસ્તુઓ ઉપર વધારે ટેરિફ લાગૂ કરવાના નિર્ણયથી શેરબજારમાં સંટ વધી ગયું છે. ૨૦૨૦માં અમેરિકામાં યોજાનાર ચૂંટણી પહેલા ટ્રેડવોરની સ્થિતિ હળવી બનવાના કોઇ સંકેતો નથી

હોંગકોંગ આંદોલન

ચીનના સ્વાયત્ત ક્ષેત્ર હોંગકોંગમાં જારી પ્રદર્શનને લઇને ત્રણ મહિનાનો ગાળો થઇ ગયો છે. શહેરના એરપોર્ટને પણ આંદોલનના કારણે બંધ કરવાની ફરજ પડી રહી છે. દુનિયાભરમાં અને ખાસ રીતે એશિયાના બજારમાં તેની અસર જોવા મળી રહી છે. ચીનથી અલગ થવા માટે હવે હોંગકોંગ ખુબ જ ઇચ્છુક છે. આજકારણસર હોંગકોંગમાં પણ જોરદાર દેખાવો થઇ રહ્યા છે

આર્જેન્ટીનાની કરન્સીમાં ઘટાડો

બજાર માટે આર્જેન્ટીનાની કરન્સીમાં પણ ઘટાડો પણ મુખ્ય કારણ તરીકે છે. રવિવારના દિવસે આર્જેન્ટીનામાં ચૂંટણી યોજાઈ ગયા બાદ સોમવારના દિવસે કરન્સીમાં જોરદાર કડાકો બોલાયો હતો. આર્જેન્ટીનાની કરન્સી પેસોમાં ૧૫ પૈસાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આર્જેન્ટીનાની કરન્સી એકાએક ઘટી જતાં દેશના નાણાંકીય બજાર ઉપર તેની માઠી અસર થઇ છે

ડોલર સામે રૂપિયામાં ઘટાડો

ભારતીય કરન્સીમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલમાં ડોલર સામે રૂપિયો ૭૧.૪૦ના સ્તર પર પહોંચ્યો છે. છેલ્લા છ મહિનામાં ડોલર સામે રૂપિયો સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.

એફપીઆઈ ઉપર કોઇ નિર્ણય નહીં

નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારના દિવસે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની સાથે મિટિંગ યોજી હતી જેમાં રાહતના કોઇ સંકેત આપ્યા ન હતા. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સરકાર એફપીઆઈ મૂડીરોકાણ ઉપર ટેક્સમાં વધારાને પરત ખેંચી લેવાની કોઇ યોજના બનાવી રહી છે

(7:59 pm IST)