Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મેવાડ રાજ પરિવાર ભગવાન રામના પુત્ર લવનો વંશજ છેઃ મહેન્દ્રસિંહ મેવાડ

સંસદ સભ્ય દિયાકુમારી બાદ શ્રીરામના વંશજ હોવાનો મેવાડ રાજઘરાનાનો દાવો

નવી દિલ્હી તા ૧૩  : અયોધ્યા જમીન વિવાદના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યાં રાજસ્થાનમાં એક નવો સંગ્રામ શરૂ થઇ ગયો કે, ભગવાન શ્રીરામના અસલી વંશજ કોણ?  રાજસ્થાનના રાજસંમદથી બીજેપીનાં સાંસદ દિયાકુમારીએ દાવો કર્યો છે કે, તેઓ શ્રીરામનાં વંશજ છે અને શ્રીરામના પુત્ર કુશથી તેમનો રજવાડો ચાલેછે, ત્યારબાદ હવે રાજસ્થાનના મેવાડ રાજઘરાના પણ ભગવાન શ્રીરામના વંશજ હોવાની લડતમાં કૂદ્યું છે.

મેવાડ રાજઘરાનાના મહેન્દ્રસિંહ મેવાડે કહ્યું કે મેવાડ રાજ પરિવાર ભગવાન રામના પુત્ર લવનો વંશજ છે. મેવાડના પૂર્વ રાજકુમાર લક્ષ્યરાજસિંહ મેવાડનું કહેવું છે કે કર્નલ જેમ્સ ટોડે પોતાનું પુસ્તક 'એનલ્સ એન્ડ એન્ટિકિવટીઝ ઓફ રાજસ્થાન' માં લખ્યું છે કે શ્રીરામની રાજધાની અયોધ્યા હતી અને તેમના પુત્ર લવે લવકોટ એટલે કે લાહોર વસાવ્યું હતું. લવના વંશજ બાદમાં ગુજરાતથી મેવાડ આવ્યા જયાં સિસોદિયા રાજયની સ્થાપના થઇ. મેવાડનું રાજપ્રતીક સુર્ય છે. શ્રીરામ પણ શિવના ઉપાસક હતા અને મેવાડ પરિવાર પણ ભગવાન શિવના ઉપાસક છે. આ મેવાડ આજે શ્રીરામના વંશજ હોવાને પ્રમાણીત કરે છે.

કોન્ગ્રેસના પ્રવકતા સત્યેન્દ્રસિંહ રાઘવે પણ ભગવાન રામના વંશજ હોવા પર પોતાની દાવેદારી દર્શાવી છે. રાઘવે કહ્યું કે લવ અને કુશ રામ અને સીતાના જોડિયા પુત્ર હતા. કુશને દક્ષિણ કોૈશલ એટલે કે છત્તીસગઢમાં અને લવનો ઉત્તર કોૈશલમાં અભિષેક કરવામાં આવ્યો હતો. આના પ્રમાણમાં તેમણે વાલ્મીકી રામાયણના  પેજ-નંબર ૧૬૭૧નો ઉલ્લેખ કર્યો છે.

(10:11 am IST)