Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું:કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડયો

ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઇ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઇએઃ ચીને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ પર તે બારીક નજર રાખી રહ્યું છે

બીજિંગ, તા.૧૩: કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઇ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઇએ. ચીને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ પર તે બારીક નજર રાખી રહ્યું છે. આ સાથે જ ચીને ભારત સામે સકારાત્મક પ્રયાસની પણ આશા વ્યકત કરી હતી.

ચીનનું આ નિવેદન એક પ્રકારે પાકિસ્તાન માટે ઝટકા સમાન છે. કાશ્મીરનાં મુદ્દે હાલમાં જ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી ચીન મુલાકાત પર ગયા હતા. કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવાયા બાદ પાકિસ્તાનને ચીન તરફથી કોઇ પણ પ્રકારનું કડક નિવેદન અથવા દખલની આશંકા હતી, જો કે ચીને દ્વિપક્ષીય મુદ્દાને શાંતિથી ઉકેલવાની વાત કરીને પોતાની જાતને એક પ્રકારે આ મુદ્દે અલગ કરી લીધી છે.

પોતાની મુલાકાતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન વિદેશ મંત્રી વાંગ યી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન સાથે પણ મુલાકાત યોજી હતી. ત્યાર બાદ બંન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ હતી. લાંબો સમય સુધી ચીનમાં રાજદુત રહેલા જયશંકરનું સ્વાગત કરતા વાંગ યીએ કહ્યું કે, ભારત અને ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્વનું યોગદાન હોવું જોઇએ.

જયશંકરે વિદેશ સેવામાં રહેવા દરમિયાન પણ ચીનમાં ઘણો સમય પસાર કર્યો છે. તેમનું સ્વાગત કરતા ચીની વિદેશ મંત્રી વાંગયીએ કહ્યું કે, ચીનમાં ફરીથી આવવું ખુબ જ ખુશીની વાત છે અને હું મારા ગત્ત વર્ષોને ખુબ જ ઉત્સાહ સાથે યાદ કરુ છું. હું ખુશ છું કે મારા કાર્યકાળની શરૂઆતમાં જ મને અહીં આવવાની અને અમારા ૨ નેતાઓની વચ્ચે અનૌપચારિક શિખર સંમેલનની તૈયારી કરવાની તક મળી.

(10:10 am IST)