Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ચંદ્રયાન-૨ ૨૦ ઓગસ્ટે ચંદ્રની પાસે પહોંચી જશે

પાંચમી સપ્ટેમ્બરે ઉતરાણ કરશે

નવી દિલ્હી, તા.૧૨ : ભારતના મહત્વકાંક્ષી ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં ૨૦મી ઓગસ્ટના દિવસે પ્રવેશ કરી જશે. ત્યારબાદ ૭મી સપ્ટેમ્બરના દિવસે તે ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. આ અંગેની માહિતી આજે ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોના વડા ડોક્ટર કે સિવાન દ્વારા આપવામાં આવી હતી. મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન આગામી બે દિવસમાં જમીનની કક્ષાથી છોડીને આગળ વધી જશે. સિવાન વિક્રમ સારાભાઈની જન્મજ્યંતિના અવસરે અહીં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વિક્રમ સારાભાઈને ભારતીય સ્પેસ કાર્યક્રમના જનક તરીકે ગણવામાં આવે છે.

સિવાને ચંદ્રયાનની ગતિવિધિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ને ૨૨મી જુલાઈના દિવસે લોંચ કરવામાં આવ્યા બાદ તે જમીનની આસપાસ ચક્કર લગાવે છે. બુધવારના દિવસે સવારે એક ખાસ મુવમેન્ટ કરનાર છે. ૧૪મી ઓગસ્ટના દિવસે સવારે ૩.૩૦ વાગે અમે ટ્રાન્સલુનર ઇન્જક્શન નામનું મુવમેન્ટ કરીશું. એ દિવસે ચંદ્રયાન-૨ ધરતીને છોડીને ચંદ્ર તરફ વધી જશે. ૨૦મી ઓગસ્ટના દિવસે અમે ચંદ્રની નજીક પહોંચીશું. ૭મી સપ્ટેમ્બરના દિવસે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરશે. તમામ સિસ્ટમ હાલમાં યોગ્યરીતે કામ કરી રહ્યા છે.

(8:33 am IST)