Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને લાગશે ઝટકો :કોંગ્રેસના હાથમાં ફરીથી સતાના સૂત્રો આવશે :સર્વે

ત્રણેય રાજ્યોમાં વડાપ્રધાન પદ માટે મોદી પહેલી પસંદગી :છત્તીસગઢ,રાજસ્થાનમાં કોંગ્રેસનું જબરું કમબેક :મધ્યપ્રદેશમાં પણ પંજો ફાવશે

 

નવી દિલ્હી :દેશના ત્રણ રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગશે જયારે કોંગ્રેસને ફરીથી સતાના સૂત્રો મળશે તેમ એક સર્વેમાં જણાવાયું છે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને જબરો ફટકો લાગી શકે છે કોંગ્રેસ આ ત્રણે રાજ્યોમાં કમબેક કરી શકે છે.

  એબીપી ન્યૂઝ અને સીવોટર દ્વારા કરાવાયેલા ત્રણ રાજ્યોના સર્વે અનુસાર કોંગ્રેસ આ ત્રણે રાજ્યોમાં સરકાર બનાવી શકે છે. જો સર્વેના આંકડાઓ પરિણામ રુપે સામે આવશે તો બીજેપી માટે આ મોટી હાર ગણાશે. લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જોકે, ત્રણે રાજ્યોમાં નરેન્દ્રભાઈ  મોદી વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદગી છે.

  સર્વે અનુસાર, મધ્યપ્રદેશ વિધાનસભાની 230 સીટમાં કોંગ્રેસને 117, બીજેપીને 106 અને અન્યને 7 સીટ મળવાનું અનુમાન છે. મધ્ય પ્રદેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ  મોદી 54 ટકા લોકોની પહેલી પસંદ છે. જ્યારે રાહુલ ગાંધીને 25 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે.જોકે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા અને અન્યને 15 ટકા વોટ મળવાની આશા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શિવરાજ સિંહ ચૌહાણ 42 ટકા, જ્યોતિરાદિત્ય સિંધિયા 30 ટકા અને કમલનાથ 7 ટકા લોકોની પસંદ બન્યાં છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 40 ટકા અને કોંગ્રેસને 42 ટકા વોટ મળવાની શક્યતા જણાવવામાં આવે છે. જ્યારે અન્યને 18 ટકા વોટ મળવાની ધારણાં છે.

 

પાર્ટી

સીટ

ભારતીય જનતા પાર્ટી

106

કોંગ્રેસ

117

અન્ય

7

કુલ સીટ

230

  છત્તીસગઢમાં કુલ 90માંથી કોંગ્રેસને 54, બીજેપીને 33 અને અન્યને કુલ ત્રણ સીટ મળવાનું અનુમાન છે. જોકે, છત્તીસગઢના સીએમ તરીકે 34 ટકા લોકોની પહેલી પસંદ રમણસિંહ છે. કોંગ્રેસથી અલગ થઈ ચૂકેલા અજીત જોગીને 17 ટકા લોકો પસંદ કરે છે. ભૂપેશ બધેલ 9 ટકા લોકોની પસંદગી છે. વોટની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 40 ટકા અને બીજેપીને 39 ટકા વોટ મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ  મોદી 56 ટકા અને રાહુલ ગાંધીને 21 ટકા લોકો પસંદ કરે છે. લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં બીજેપીને 46 ટકા, કોંગ્રેસને 36 ટકા અને અન્ય પાર્ટીઓને 18 ટકા વોટ મળવાનું અનુમાન છે.

પાર્ટી

સીટ

ભારતીય જનતા પાર્ટી

33

કોંગ્રેસ

54

અન્ય

3

કુલ સીટ

90

 

રાજસ્થાનની કુલ 200 સીટમાં કોંગ્રેસને 130 સીટ, બીજેપીને 57 અને અન્યને 13 સીટ મળવાની ધારણાં છે. મુખ્યમંત્રી તરીકે અશોક ગહેલોત 41 ટકા, વસુંધરા રાજે સિંધિયા 24 ટકા અને સચિન પાયલટ 18 લોકોની પસંદ છે. રાજસ્થાનમાં બીજેપીને 39 ટકા, કોંગ્રેસને 40 ટકા અને અન્યને 21 ટકા વોટ મળવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીને 47 ટકા, કોંગ્રેસને 43 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે. જોકે, વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી અહિ પણ રાહુલ ગાંધી કરતાં આગળ છે. 55 ટકા લોકો તેમને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે જ્યારે 22 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

પાર્ટી

સીટ

ભારતીય જનતા પાર્ટી

57

કોંગ્રેસ

130

અન્ય

13

કુલ સીટ

200

 

(11:40 pm IST)