Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોદીના રોજગાર મોડલને લઇ રાહુલ ગાંધીના આકરા પ્રહારો

રાફેલ મુદ્દે ડિબેટ માટે મોદીને ખુલ્લો પડકાર : ગટરથી ગેસ કાઢો અને પકોડા બનાવો તેવી સલાહ મોદી યુવાનોને આપી રહ્યા છે : મોદીની આ રોજગારની પોલિસી

બેંગ્લોર,તા. ૧૩ : કર્ણાટકના બિદરમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ઇનોવેશનના કાર્યક્રમમાં વડાપ્રધાને ટેકનોલોજી પર બે દાખલા આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, એક ઢાબાવાળાએ નાળામાં પાઈપ મુકીને તેના ગેસથી ભોજન બનાવવામાં સફળતા મેળવી હતી. મોદીની રોજગાર આપવાની આજ રણનીતિ રહી છે. જેમાં મોદી બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરે છે. રાહુલે કહ્યું હતું કે, મોદીના રોજગાર મોડલનો મતલબ એ છે કે, યુવાઓ પકોડા બનાવે અને તેના માટે ફ્યુઅલનો ઉપયોગ નાળાના ગેસથી કરે. પોતાના સંબોધન દરમિયાન રાહુલે કહ્યું હતું કે, સરકારના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. મોદીએ વચન આપ્યું હતું કે, તમામના ખાતામાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી દેવામાં આવશે પરંતુ કોઇને ૧૦ રૂપિયા પણ મળ્યા નથી. બીજી બાજુ કોંગ્રેસે વચન આપ્યું હતું કે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કર્ણાટકમાં સરકાર આવતાની સાથે જ ૩૧૦૦૦ કરોડનું દેવું માફ કરાયું છે. મોદી ખેડૂતોનું દેવું માફ કરી શકતા નથી. મોટા મોટા ભાષણો આપે છે. સમગ્ર દેશમાં પીએમે લઘુત્તમ સમર્થન મુલ્ય વધારવાના દાવા કર્યા છે અને માત્ર ૧૦૦૦૦ કરોડ રૂપિયાની એમએસપી દેશભરમાં વધારી છે. આનાથી ત્રણ ગણા પૈસા ખેડૂતોની લોન માફી માટે એકલા કર્ણાટક સરકારે આપ્યા છે. લોકસભાના પોતાના ભાષણનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું છે કે, રાફેલ ઉપર ભાષણ આપ્યું ત્યારે આ અંગે કોઇ નેતા નિવેદન કરી શક્યા નથી. મોદીને ખુલ્લા મંચ ઉપર ચર્ચા માટે રાહુલે પડકાર ફેંક્યો હતો. રાહુલે કહ્યું હતું કે, રાફેલની કિંમત ગુપ્ત શરતોનો હિસ્સો રહી નથી.તે બેઠકમાં આનંદ શર્મા અને મનમોહનસિંહ પણ તેમની સાથે હતા. ઉત્તરપ્રદેશ અને બિહારમાં રેપની ઘટનાઓ બની રહી છે પરંતુ આ સંદર્ભમાં મોદી કોઇ વાત કરી રહ્યા નથી.

(7:15 pm IST)