Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કેરળમાં ભારે તબાહી : ૧૦ હજાર કી.મી.ના રસ્તાઓનો સફાયો

ભારે વરસાદ અને પૂર હોનારતથી અડધો દેશ બેહાલ : ૭ રાજ્યોમાં આ ચોમાસાએ ૭૭૪ના જીવ લીધા

તિરૂવનંતપુરમ,તા.૧૩: કેરળમાં પુરની સ્થિતિમાં થોડા સુધાર થયો છે પણ ગઈકાલે થયેલ વરસાદના કારણે મુશ્કેલીઓ જેમની તેમ જ છે. પુરના કારણે કેરળમાં મૃતાંક ૩૯ થયો છે. રવિવારે ઈદુક્કીમાં ૨૦.૮૬ મી.મી.વરસાદ નોંધાયો હતો. જયારે પુરથી નુકશાનનો આંકડો ૮ હજાર કરોડથી વધુનો થઈ ગયો છે. ગઈકાલે ગૃહમંત્રી રાજનાથસિંહ પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતુ. ગઈકાલે ફરી વરસાદ શરૂ થતા નિચાણવાળા વિસ્તારના લોકોને ઉંચાઈ વાળી જગ્યાએ જવા તંત્રએ જણાવ્યું હતુ. વાયનાડમાં એક મકાન તુટતા ૫૮ વર્ષીય મહિલાનું મોત થયું હતુ. જયારે ૬ લોકો લાપતા બન્યા હતા.

વાયનાડના કલેકટર એપી અજય કુમારે આજે સોમવારે બધી સ્કુલ- કોલેજોમાં રજા રાખવા આદેશ આપ્યો હતો. પોથુંડી ડેમના તમામ ૩ દરવાજા ખોલી દેવાયા હતા. તે સાથે જ જળસ્તર ખતરાના નિશાનથી ઉપર થયા બાદ ચુલ્લીયાર, વાલાયાર અને મીનકારા જળશયોના દરવાજા ખોલવાની અંતિમ ચેતવણી અપાઈ હતી. જયારે ઈડુક્કી ડેમમાં પાણીનો જથ્થો સતત બીજા દિવસે ઘટયો હતો. રવિવારે ૨૪૦૦.૬૮ ફુટમાંથી ૨૩૯૮.૬૮ ફુટે સપાટી પહોંચી હતી.

રાજયના અલગ- અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલ રાહત શિબીરોમાં ૬૦ હજારથી વધુ લોકોને ખસેડાયા છે. સેનાની ૧૦ ટુકડીઓ, મદ્રાસ રેજીમેન્ટની એક તથા નેવી, વાયુસેના અને એનડીઆરએફના જવાનોનેઅતિ પ્રભાવિત જીલ્લાઓ કોઝીકોડ, ઈદુક્કી, મલપ્પુરમ, કન્નુર અને વાયનાડ વગેરેમાં રાહત તથા બચાવ કાર્યો માટે તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે ફરી થયેલ જોરદાર વરસાદ થવાથી પુર અને ભુસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત કાર્યમાં વિક્ષેપ પડયો હતો. જો કે અધીકારીઓના જણાવ્યા મુજબ ઈદુક્કી અને ઈદમલયાર ડેમોમાં પાણીની સપાટી ઘટતા થોડી રાહત મળી છે.

આ દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહે પુર પ્રભાવિત બે જીલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરેલ. ત્યારબાદ તેમણે કેરળ માટે ૧૦૦ કરોડનું મદદનું એલાન કર્યું હતુ. જો કે રાજયના મુખ્યમંત્રી પી.વિજયને આથી વધુ મદદની ડિમાન્ડ મુકી હતી. તેમણે કુલ ૮૩૧૬ કરોડનું નુકશાન શરૂઆત આકલનમાં થયેલ હોવાનું જણાવી ઉમરેલ કે રાજયમાં ૨૦ હજાર ઘર પુરી રીતે નષ્ટ થયા છે. જયારે ૧૦ હજાર કિલો મીટરના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. જો કે રાજનાથસિંહ હવાઈ  નિરીક્ષણ બાદ પત્રકારો સાથેની વાતચિતમાં જણાવેલ કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કેરળમાં આવું પુર નથી આવ્યું અને કેન્દ્ર દરેક સંભવ મદદ માટે તૈયાર હોવાનું જણાવેલ.

રાહત બચાવ કાર્યમાં તૈનાત એનડીઆરએફની ઈદુક્કી જીલ્લામાં તૈનાત ટીમના સભ્ય કન્હૈયા કુમારે બહાદુરી દેખાડી ઈદુક્કી ડેમ પાસેના ચેરૂથોની પુલની સામે તરફ ફંસાયેલા બીમાર બાળકીને પુલ ઉપરથી દોડી જઈ બચાવી હતી. તેમનો સોશ્યલ મીડીયા ઉપરનો વિડીયો પણ ભારે વાયરલ થયો છે.

માણસની સાથો- સાથ અનેક જાનવરો પણ આ પ્રકોપી પુરની જપટે ચડયા છે. જયારે ઈડુક્કી જીલ્લાના કાંજીકુઝી ગામના મોહનન પી.ના પાળતુ કુતરાએ ગુરૂવારે રાતે જોર- જોરથી રોવાનું અને ભસવાનું શરૂ કરતા પરિવારના સભ્યોએ બહાર જોતા તેમની ઘરની બાજુમાં જ ભયંકર ભુસ્ખલન થઈ રહ્યું હતું. તેમણે પોતાનું ઘર છોડી અન્યત્ર જતા રહેતા બધાનો જીવ બચી ગયો હતો.

ભારે વરસાદ અને પુરથી દેશના અનેક રાજ્યો ઝઝુમી રહ્યા છે. કેરળ બાદ હવે પહાડી રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં સ્થિતિ બેકાબુ છે. ગૃહ મંત્રાલયના કહ્યા મુજબ મોન્સુનની આ ઋતુમાં સાત રાજ્યોમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં ૭૭૪ લોકોના મોત થયા છે. હવામાન વિભાગે યુપી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ બધાની વચ્ચે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે.

(4:07 pm IST)