Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

OBCને મળેલ ર૭ ટકા અનામતમાંથી ર૦ ટકાથી વધુ એટલે કે કુલ કવોટાના ૭પ% લાભ ૩-૪ જ્ઞાતિઓ જ મેળવે છે

ર૪૭૯ OBC જ્ઞાતિ સામેલ છે કેન્દ્રની યાદીમાં : પંચે મેળવી ચોંકાવનારી વિગતો : એક મોટા વર્ગને કોઇ લાભ નથી : ૭પ ટકા લાભ યાદવ, કુમી, સાદુ-નાઇને જ મળ્યો

નવી દિલ્હી, તા. ૧૩ :  અન્ય પછાત વર્ગ (ઓબીસી) આયોગને સંવૈધાનિક દર્જા આપ્યા પછી સરકારનું હવેનું પગલું વિકાસની દોડમાં પાછળ રહી ગયેલ ઓબીસી જાતિઓને આગળ વધારવાનું છે. સરકાર આવી જાતિઓ અને ઉપજાતિઓની ભાળ મેળવવા માટે જસ્ટીસ રોહિણી આયોગના રિપોર્ટની રાહ જોઇ રહી છે. જો કે આ દરમ્યાન આયોગ પાસે ચોંકાવનારી માહિતી આવી છે. જે પ્રમાણે ઓબીસીને મળતા ર૭ ટકા અનામતમાંથી ર૦ ટકાથી વધારે એટલે કે કુલ કવોટાના લગભગ ૩પ ટકાનો લાભ ફકત ૩-૪ ઓબીસી જ્ઞાતિઓને જ મળ્યો છે. જેમાં યાદવ, કુર્મી સાહુ અને નાઇ સામેલ છે. આમ બાકીની ઓબીસી જાતિઓને બાકીના ૭ ટકામાં જ લાભ મળી રહ્યો છે. એટલે સરકાર બાકીની પછાત જ્ઞાતિઓને લાભ મળે તે રીતે વર્ગીકરણ કરવા પર વિચાર કરી રહી છે.

ઓબીસીના કેન્દ્રીય લીસ્ટમાં કુલ ર૪૭૯ જાતિઓ સામેલ છે જયારે એક મોટો વર્ગ આરક્ષણના લાભથી વંચીત છે જે ચોંકાવનારી બાબત છે. જો કે આયોગ સાથે જોડાયેલ સુત્રો અનુસાર હાલમાં આ બાબતે ઉંડુ અધ્યયન કરાઇ રહ્યું છે.

આયોગે આ દરમ્યાન ઓબીસી જાતિઓના શૈક્ષણિક, સરકારી નોકરી અને પંચાયત સ્ત્રે મળતા પ્રતિનિધિત્વને આધાર બનાવ્યો છે. આ ઉપરાંત શિષ્યવૃતિ વગેરેમાં મળતા લાભોનું પણ વર્ગીકરણ કર્યું છે. લાભથી વંચિત રહી ગયેલ જ્ઞાતિઓને વધારે લાભ મળે તેવી સરકારની કોશિષ છે. સરકાર માટે આમ પણ તે સરળ બનશે. કેમકે ઘણા રાજયો પહેલા જ ઓબીસી અનામતનું વર્ગીકરણ કરી ચુકયા છે. માનવામાં આવે છે કે સરકારને ચૂંટણીમાં આનો લાભ પણ મળશે. સરકારે ઓબીસીના વર્ગીકરણ માટે જસ્ટીસ જી રોહીણીના નેતૃત્વમાં એક આયોગની રચના કરી છે જેનો કાર્યકાળ હાલમાંજ વધારીને નવેમ્બર ૨૦૧૯ સુધીનો કરાયો છે.

આ રાજયોમાં  વર્ગીકરણ થઇ ગયું છે

ઓબીસી અનામતનું વર્ગીકરણ દેશના ઘણા રાજયોમાં પહેલાથી જ થઇ ચુકયું છે. જોકે આ વર્ગીકરણ રાજયોના લીસ્ટ ના આધારે કરાયું છે. જે રાજયોમાં આવું વર્ગીકરણ થયું છે, તેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઝારખંડ, બિહાર, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને પોંડીચેરી શામેલ છે.

વર્ગીકરણ વિરોધીઓને જડબાતોડ જવાબ દેવાની તૈયારી

ઓબીસી ને મળતા આરક્ષણના વર્ગીકરણ વિરૂધ્ધ અવાજ ઉઠાવતા રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ દેવાની તેૈયારી સરકાર કરી રહી છે. મંડલ પંચે પણ અનામતની ભલામણ કરતી વખતે આવી શંકા વ્યકત કરી હતી કે કયાંક એવું ન બને કે કેટલીક મજબુત જાતિઓ જ બધી જ્ઞાતિઓના ભાગનો લાભ ન મેળવી જાય. એટલે કે ઓબીસીની બધી મલાઇ ખાઇ જનાર, ક્રીમીલેયર ન બની જાય. એટલે જ મંડલ પંચની બધી એવી ટીપ્પણીઓની તપાસ થઇ રહી છે જેને મંડલ પંચે અનામત લાગુ થયા પછી ધ્યાન રાખવાનુ઼ કહયું હતું. પણ વર્ષો સુધી તેના પર કોઇ ધ્યાન અપાયું નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય પછાત વર્ગે પણ ૨૦૧૧માં જ તેના વર્ગીકરણની ભલામણ કરી હતી.(૯.૪)

(11:37 am IST)