Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રોજગારી માટેની પૂરતી તકો ઉભી કરાઈ છે : વિપક્ષ ભ્રમ ફેલાવે છે

મોબ લિંચિંગની ઘટના જધન્ય અપરાધ છે : મોદીની સાફ વાત : ૨૦૧૪ કરતા વધુ સારી સફળતા સાથે જીત મેળવીશું : ૩ લાખ લોકો કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે : છેલ્લા વર્ષે સંગઠિત ક્ષેત્રમાં ૭૦ લાખને રોજગારી

નવીદિલ્હી, તા.૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા અહેવાલને રદિયો આપ્યો છે કે, જાતિ આધારિત અનામતનો અંત આવી જશે. મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, અનામત યથાસ્થિતિમાં રહેશે. આ અંગે વિરોધ પક્ષો દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. મોદીએ એક અગ્રણી ચેનલ અને સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં જુદા જુદા વિષયો ઉપર વિસ્તારપૂર્વક વાત કરી છે. મોદીએ આ ઇન્ટરવ્યુ દરમિયાન રોજગારીને લઇને આંકડાઓને લઇને વિપક્ષ ઉપર પ્રહાર કર્યા છે. વિપક્ષ દ્વારા બિનજરૂરી અહેવાલ આપવામાં આવી રહ્યા છે. વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા મોદીએ કહ્યું છે કે, રોજગારની પુરતી તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે હજુ પણ આ દિશામાં પહેલ જારી રાખી છે. પોતાના દાવાના સમર્થનમાં વડાપ્રધાને તમામ આંકડા રજૂ કર્યા હતા અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. રોજગારીની તકો ઉભી કરવા, રાફેલ ડિલ સહિતના મુદ્દા ઉપર પણ જવાબ આપ્યા હતા. રોજગારીની તકો પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે પુરતી તકો રોજગારીની ઉભી કરી છે પરંતુ નોકરીઓ સાથે જોડાયેલા ડેટાબેઝની કમી અને બિનઉપસ્થિતિના લીધે આ પ્રકારના આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકાર હવે જોબ સાથે જોડાયેલા ડેટાબેઝ તૈયાર કરવાના પ્રયાસમાં છે. ઇપીએફઓ, ઇએસઆઈ, એનપીએસના આંકડાથી કેટલોક અંદાજ કાઢી શકાય છે. ઇપીએફઓના આંકડાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૭થી લઇને એપ્રિલ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં સંગઠિત ક્ષેત્રમાં ૪૫ લાખથી વધુ લોકોને નોકરી મળી છે. ઇપીએફઓના ડેટા છેલ્લા વર્ષે સંગઠિત ક્ષેત્રમાં ૭૦ લાખ લોકોને રોજગારીની તકો મળી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કુલ નોકરીમાંથી આશરે ૮૦ ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટાપાયે રોજગારીની તકો સર્જાઈ છે. ગ્રામીણ સ્તર પર ત્રણ લાખ લોકો દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યા છે અને રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. મોબાઇલ નિર્માણ કંપનીમાં આશરે ૪.૫ લાખ લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે રોજગારી મળી છે. ૨૦૧૪માં માત્ર ગણતરીની મોબાઇલ કંપનીઓ હતી આજે આ સંખ્યા વધીને ૧૨૦ ઉપર પહોંચી ચુકી છે. ૧૫૦૦૦થી વધારે સ્ટાર્ટઅપને સરકારે કોઇને કોઇરીતે મદદ કરી છે. આ સ્ટાર્ટઅપ તમામ લોકોને રોજગારી આપે છે. મુદ્રાયોજના હેઠળ ૧૨ કરોડથી વધારેની લોન આપવામાં આવી છે. મુદ્રા યોજનાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, આ સ્કીમ હેઠળ ૧૨ કરોડથી વધારે લોન અપાઈ છે. એક લોનથી ઓછામાં ઓછા એક વ્યક્તિને રોજગારી મળે છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, નિર્માણ ગતિવિધિથી પણ તમામ લોકોને રોજગારી મળે છે. છેલ્લા ચાર વર્ષમાં મોટાપાયે નિર્માણ ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. માર્ગ નિર્માણ, હાઉસિંગ પ્રોજેક્ટો મોટાપાયે હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ ક્ષેત્રમાં નોકરીઓની તકો ઉભી થઇ છે. રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય દરેક રિપોર્ટમાં જોઇ શકાય છે કે, ભારતમાં ગરીબી દૂર થઇ રહી છે. નોકરી વગર આ બાબત ક્યારેય શક્ય બની શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, લિંચિંગની ઘટનાઓ જઘન્ય અપરાધ સમાન છે. રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને તમામ મુદ્દા ઉપર વાત કરી હતી. આસામમાં વિવાદ, ભીડની હિંસા, સોશિયલ મિડિયાના દુરુપયોગ પર અંકુશ, યુવાઓમાં રોજગાર, શિક્ષણના મુદ્દા ઉપર વાત કરી હતી. ત્રણ મોટા મુદ્દા ઉપર ચૂંટણી પ્રચાર કરાશે તે અંગે પૂછવામાં આવતા મોદીએ કહ્યું હતું કે, વિકાસ, ઝડપી વિકાસ અને તમામ માટે વિકાસને મુખ્ય મુદ્દો બનાવવામાં આવશે. જે લોકો પાસે દર્શાવવા અને રજૂ કરવા માટે કોઇ મુદ્દા હોતા નથી તેવો નારાઓથી લોકોને ભ્રમમાં મુકે છે. અમે છેલ્લા ચાર વર્ષમાં કઠોર મહેનત કરી છે. વિકાસના ટ્રેક રેકોર્ડના આધાર પર લોકોની વચ્ચે જશે. લોકોને તેમની પાર્ટીનો સહકાર મળી રહ્યો છે. જે રીતે ચાર વર્ષ પહેલા સફળતા મળી હતી તેવી જ સફળતા ફરી મળશે. છેલ્લી ચૂંટણી કરતા વધારે સીટો જીતીશું. વધુ સારો રેકોર્ડ કરીશું. અમને કોઇપણ પ્રકારનો ભય નથી. તમામ બિન એનડીએ પક્ષો એક થશે તો શું થશે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર સત્તામાં આવ્યા બાદ દુનિયાની નજર દેશ ઉપર કેન્દ્રિત થઇ છે. મહાગઠબંધન અથવા આનેજે કંઇપણ નામ આપવામાં આળે તે લોકોમાં લોકપ્રિય હોઈ શકે નહીં. દેશની પ્રજાએ રાષ્ટ્રીયહિતોને મહત્વ આપ્યું છે. આ મુદ્દા ઉપર કોઇ કિંમત ઉપર કોઇ સમજૂતિ લોકો કરશે નહીં. કેટલાક પક્ષો લાલચમાં મોદી હટાવોના એકમાત્ર એજન્ડા સાથે આગળ વધી રહ્યા છે. મહાગઠબંધન એક રાજકીય ફીતુડ તરીકે છે. આ પ્રયોગો ફ્લોપ રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું

*    મોબલિંચિંગની ઘટના ખુબ જ જધન્ય છે

*    રોજગારીની પુરતી તકો છેલ્લા ચાર વર્ષમાં આપવામાં આવી

*    વિકાસ, ઝડપી વિકાસ અને તમામ માટે વિકાસના આધાર પર ચૂંટણીમાં જીતીશું

*    જે લોકો માટે કંઇ બતાવવા માટે નથી તે લોકો ઉંચા અવાજમાં ભ્રમ ફેલાવે છે

*    છેલ્લા ચાર વર્ષમાં કઠોર મહેનત કરીને વિકાસના નવા ટ્રેક રેકોર્ડ સર્જ્યા છે

*    વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વધુ સારી સફળતા ચૂંટણીમાં મળે તેવો દાવો કર્યો

*    તમામ સાથી પક્ષો એક સાથે મજબૂતરીતે છે

(7:47 pm IST)