Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઉત્તરપ્રદેશમાં ૭૩થી વધારે સીટો જીતવા ભાજપ તૈયાર

લોકસભાની ચૂંટણીને લઇને ધ્યાન કેન્દ્રિત કરાયું : દેશ અને પ્રદેશ સુરક્ષિત હાથમાં હોવાનો ભારતીય જનતા પાર્ટીની કાર્યસમિતિની બેઠકમાં રજુ ઠરાવમાં દાવો કરાયો

મેરઠ, તા. ૧૨ : ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં આયોજિત ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બેઠકના અંતિમ દિવસે એટલે કે આજે પાર્ટી તરફથી રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં ભાજપે પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારની સિદ્ધિઓને ગણાવીને દાવો કરવામાં આવ્યો છે કે, પ્રદેશ અને દેશ બિલકુલ સુરક્ષિત હાથોમાં છે. કાર્ય સમિતિ મારફતે પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન હવે ૨૦૧૯ની ચૂંટણી ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં ૭૩થી વધારે સીટો જીતવાના ઇરાદા સાથે ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપની કાર્ય સમિતિએ એકબાજુ ખેડૂતો, દલિતો અને વંચિત વર્ગના લોકોને પોતાની તરફેણમાં રાખવાના પ્રયાસો કર્યા છે. બીજી બાજુ સાંસ્કૃતિક મુદ્દાઓ ઉપર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. ભાજપ તરફથી બે દિવસીય પ્રદેશ કાર્યસમિતિની બેઠકના અંતિમ દિવસે જારી રાજકીય પ્રસ્તાવમાં ભાજપે પોતાના લક્ષ્યને સામે રાખીને આગળ વધવાની તૈયારી કરી છે. સબકા સાથ સબકા વિકાસના મંત્રનો ઉલ્લેખ કરતા પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર અને પ્રદેશની યોગી સરકારની પ્રશંસા કરી છે. ખેડૂતો માટે ઉઠાવવામાં આવેલા પગલાનો ઠરાવમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપવામાં આવી રહી છે. આ વચન ભાજપે પાળી બતાવ્યું છે. વચેટિયાઓની બોલબાલા ખતમ થઇ છે. ખેડૂતોને સીધીરીતે લાભ મળે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને લઇને રાજકીય ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર યોગી સરકાર ખુબ જ કઠોર રહી છે. અસામાજિક તત્વોમાં યોગી સરકાર આવ્યા બાદ દહેશત દેખાઈ રહી છે. સરકારનો ભય એટલો છે કે, અસામાજિક તત્વો આજે પોતે જેલ જવાનું પસંદ કરી રહ્યા છે. આ ઠરાવમાં એક જિલ્લા, એક પેદાશને લઇને પણ પ્રશંસા થઇ છે. ઓનલાઈન સિંગલ વિન્ડો અને ઇ-માર્કેટિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાવડ યાત્રાના સફળ આયોજનની વાત પણ કરાઈ છે. રાજકીય ઠરાવમાં મુગલસરાઈ સ્ટેશનનું નામ બદલવા અને અલ્હાબાદમાં ૨૦૧૯માં આયોજિત થનાર કુંભની તૈયારીને લઇને પણ સરકારની તૈયારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યામાં દિવાળી, વારાણસીમાં દેવદિવાળી અને મથુરામાં હોળીના સફળ આયોજનને લઇને પણ વાત કરવામાં આવી છે.

(7:43 pm IST)