Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બે મળ્યા ત્યારે જીત્યા હતા ત્રણ મળશે તો પણ જીતીશું

ઉત્તરપ્રદેશમાં ૭૪થી વધુ સીટો જીતીશું : શાહ : બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દે મોદીએ ૫૬ ઇંચની છાતી દર્શાવી છે : હવે એક પણ ઘુસણખોરને રહેવા દઈશું નહીં

મેરઠ, તા. ૧૨ : મેરઠ સ્થિત શુભારતી યુનિવર્સિટીમાં ચાલતી ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બેઠકના સમાપન સત્રમાં ભાજપ પ્રમુખ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું. વિરોધ પક્ષનો સામનો કઈ રીતે કરવો છે તેની ચિંતા તેમના ઉપર છોડી દેવા અમિત શાહે ખાતરી આપી હતી. શાહે ખાતરી આપતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન કોઇપણ પડકારરુપ નથી. મોદી અને યોગી સરકારની સિદ્ધિઓને લોકોની વચ્ચે લઇને પહોંચવાથી સીધો ફાયદો થશે. અમિત શાહે દાવા સાથે કહ્યું હતું કે, જ્યારે બે લોકોએ હાથ મિલાવ્યા હતા ત્યારે પણ પ્રચંડ બહુમતિ સાથે જીત્યા હતા અને હવે બેની જગ્યાએ ત્રણ થશે તો પણ પ્રચંડ બહુમતિ સાથે જ જીતીશું. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા સ્તરથી લઇને સંગઠનના પ્રમુખની સામે કોઇપણ તકલીફ આવી જોઇએ નહીં. શાહે કાર્યકરોની ચિંતા દૂર કરી હતી અને કહ્યું હતું કે, સપા અને બસપા એક થઇ જશે તો શું થઇ જશે તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. શાહે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં સપા, બસપા અને કોંગ્રેસ તમામના અમે સુપડા સાફ કરી ચુક્યા છીએ. ૨૦૧૭માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે બે યુવા લીડરોએ હાથ મિલાવ્યા હતા. છતાં અમે ૩૦૦થી વધુ સીટો જીતી ગયા હતા. આ વખતે બેની જગ્યાએ ત્રણ થશે તો પણ અમે ૭૪થી ઓછી સીટો જીતનાર નથી. એનઆરસીના મુદ્દા ઉપર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે બાંગ્લાદેશી ઘુસણખોરોને લઇને સાહસ દર્શાવી રહ્યા છીએ. કોંગ્રેસે જટિલ સમસ્યા ઉભી કરી હતી. મમતા બેનર્જી બિનજરૂરી હલ્લો મચાવી રહ્યા છે. મોદીએ ૫૬ ઇંચની છાતી બતાવી છે અને ઘુસણખોરોને ખદેડી મુકવાની તૈયારી બતાવી છે. માત્ર જય જયકાર કરવાથી કલ્યાણ થશે નહીં. કામગીરી પણ કરવાની જરૂર છે.

(7:43 pm IST)