Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

એર ઇન્ડિયાના કુલ ૨૩ ટકા વિમાન સેવામાં નથી : રિપોર્ટ

જુદા જુદા એરપોર્ટ ઉપર સેવા વગર ઉભા છે : ૨૫૦૦૦ કરોડ રૂપિયા સુધીના વિમાનોનો ઉપયોગ હાલ થઇ રહ્યો નથી : દરરોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થઇ

નવીદિલ્હી, તા. ૧૨ : ફંડની અછત સાથે મુશ્કેલીનો સામનો કરી રહેલી સરકારી એરલાઈન્સ કંપની એર ઇન્ડિયાના આશરે એક ચતુર્થાંસ વિમાનો હાલના દિવસોમાં સેવામાં નથી. આ વિમાનો ઉંડાણ ભરી રહ્યા નથી. પાયલોટોના કહેવા મુજબ આ સ્થિતિના પરિણામ સ્વરુપે કંપનીને ભારે નુકસાન થઇ રહ્યું છે. તમામ એરલાઈન્સ તરફથી કેટલાક વિમાનોને ઉંડાણથી દૂર રાખવામાં આવે છે. મેટેન્ટેઇન્સ ચેકની કામગીરીને હાથ ધરી શકાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાની વાત કરવામાં આવે તો આ સંખ્યા વધારે છે. કારણ કે, સ્પેરની જરૂર પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં એરઇન્ડિયા પહેલાથી જ નાણાંકીય કટોકટીનો સામનો કરે છે. પાયલોટોએ આ બાબતને લઇને પણ હેરાનગી વ્યક્ત કરી છે કે, સમગ્ર મામલા પર ઉડ્ડયન મહાનિદેશક દ્વારા મૌન પાળવવામાં આવ્યું છે. એરલાઈન્સ પાસેથી કોઇપણ પ્રકારના ખુલાસા માંગવામાં આવ્યા નથી. એરઇન્ડિયાના ચેરમેન પીએસ ખરોલાએ કહ્યું છે કે, સ્થિતિને સુધારવા પ્રયાસ થઇ રહ્યા છે. ખરોલાને લખવામાં આવેલા પત્રમાં ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ એસોસિએશનનું કહેવું છે કે, સ્પેરપાર્ટ્સની તંગીના પરિણામ સ્વરુપે એર ઇન્ડિયાના આશરે ૨૩ ટકા વિમાનો હાલમાં ઉંડાણ ભરી રહ્યા નથી. ૨૫૦૦૦ કરોડ રૂપિયા સુધીના વિમાનોનું કોઇ ઉપયોગ થઇ રહ્યો નથી. દરરોજ મોટી સંખ્યામાં ફ્લાઇટોને રદ કરવામાં આવે છે અથવા રિશેડ્યુઅલ નક્કી કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં એર ઇન્ડિયા પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. કંપનીના ૨૦ એરબસ એ-૩૨૧ વિમાનોમાંથી માત્ર ૧૨ જ ઓપરેશન માટે ઉપલબ્ધ છે. જુદા જુદા સ્ટેશન પર આશરે ૪૦ ટકા વિમાનોને રોકી રાખવામાં આવ્યા છે. આ વિમાનોને એર ઇન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ વિમાનોમાં ગણવામાં આવે છે. કારણ કે તેમા બેસવાની ક્ષમતા સૌથી વધારે રહેલી છે. આઈસીપીએનું કહેવું છે કે, ફ્લિટમાં સામેલ ૨૨ એરબસ એ-૩૧૯ વિમાનોમાંથી ચાર ઓપરેશનમાં ઉપલબ્ધ નથી. બીજી બાજુ એરબસ એ-૩૨૦ વિમાનોની સ્થિતિ સારી છે અને આ વિમાનો ઓપરેશનમાં છે પરંતુ આનુ કારણ છે કે, નવા વિમાનોનો જથ્થો થોડાક દિવસ પહેલા જ પહોંચ્યો છે. એર ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહારકાઢવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે સરકાર ખાનગીકરણની દિશામાં પણ આગળ વધી રહી છે.

(12:00 am IST)