Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોનાની ત્રીજી લહેરને લોકો હવામાનની અપડેટ ન સમજે

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરતું કેન્દ્ર : કોરોનાની સ્થિતિ કાબૂમાં છે ત્યાં લોકોએ સાવચેત રહેવાની જરૂર પર ભાર મુકતા આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી

નવી દિલ્હી, તા. ૧૩ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરતા, કેન્દ્ર સરકારે કહ્યું છે કે આપણે તે અંગે સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે કહ્યું કે જ્યારે આપણે ત્રીજી લહેર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને હવામાનની અપડેટ તરીકે જોઇએ છિએ, જે ખોટું છે.

લવ અગ્રવાલે કહ્યું કે આપણે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા અને તેનાથી સંબંધિત આપણી જવાબદારીઓ વિશે સમજી રહ્યા નથી. અગ્રવાલે કહ્યું કે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં કોરોનાનાં કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયા બાદ સ્થિરતાની સ્થિતિ આવી છે. આવી સ્થિતિમાં આ રાજ્યોએ પણ સાવધ રહેવાની જરૂર છે. ભારત સરકારની તૈયારીઓ અંગે માહિતી આપતા અગ્રવાલે કહ્યું કે, 'અમે ૧૧ રાજ્યોમાં કેન્દ્રીય ટીમો મોકલી છે જેથી તેઓ રાજ્ય સરકારોને કોરોના મેનેજમેન્ટમાં મદદ કરી શકે. પૂર્વોત્તર રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ટીમો રવાના કરવામાં આવી છે, જ્યાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને મંગળવારે સવારે ઉત્તર-પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

(9:18 pm IST)