Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પીએમ મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો : શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી

દેશના 100 થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે : ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દિકરીઓ પસંદગી પામી: અમદાવાદની એલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાનએ સંવાદ કર્યો

જાપાનના ટોક્યો શહેરમાં આગામી 23 મી માર્ચથી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિક્સનું આયોજન થનાર છે. દેશના 100 થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
ટોક્યો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દિકરીઓ પસંદગી પામી છે. જેઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ ટોક્યો ઓલમ્પિક્સમાં કરશે.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલા ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઓલમ્પિક્સની વિવિધ રમતોમાંથી 15 ખેલાડીઓ સાથે વડાપ્રધાન  મોદીએ વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંવાદમાં ગુજરાતની દિકરીઓ પણ જોડાઇ હતી.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની શુટિંગ સ્પર્ધા સાથે જોડાયેલ એલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ સાધ્યો હતો. વડપ્રધાન સાથેના સંવાદમાં એલાએ કહ્યુ કે, બાળપણથી જ વિવિધ રમતોમાં તેની રૂચિ હતી પરંતુ શુંટિગ સાથે વધારે લાગણીઓ જોડાઇ અને રસ વધતા તેણે શુટિંગમાં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને મણિનગર વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારે ખોખરામાં સ્પોર્ટસ એકેડમી શરૂ કરી હતી તે સમયગાળામાં એલા પ્રેક્ટિસ માટે ત્યાં આવતી હતી તે સંસ્મરણો વડાપ્રધાને વાગોળ્યાં હતા. સંસ્કારધામમાં શુટિંગ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી.

એલાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા, ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીના મળેલા સહકારને આપ્યો હતો. અમદાવાદ શહેરના સંસ્કારધામની સ્પોર્ટસ એકેડમીથી એલાના માતા-પિતા જોડાયા હતા. જયારે અમદાવાદ શહેરની સ્વીમર માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન સાથેના સંવાદમાં જોડાઇ હતી.

વડાપ્રધાનના શબ્દોએ તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહેલા તમામ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શ કરે તેવી શુભકામના પાઠવી હતી.

(8:36 pm IST)