Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગુરમીત રામ રહીમની તબીયત લથડતાં એમ્સમાં દાખલ

યૌન શોષણ કેસમાં જેલ સજા ભોગવતો ગુરમીત રામ રહીમ : ગત મહિને ગુરમીત રામ રહીમ કોરોના પોઝિટિવ થયો હતો, છેલ્લા એક મહિનામાં ચાર વખત જેલમાંથી બહાર લવાયોે

નવી દિલ્હી, તા.૧૩ : મહિલા સાધ્વીઓના યૌન શોષણના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમની તબિયત ફરી એક વખત લથડી છે. મંગળવારે સવારે પાંચ વાગ્યે રામ રહીમને હરિયાણાની જેલમાંથી દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. પહેલા મે મહિનામાં રામ રહીમની તબિયત બગડી હતી અને સ્થાનિક હોસ્પિટલમાં તેના સ્વાસ્થ્યની તપાસ થઈ હતી.

ગયા મહિને પણ રામ રહીમ કોરોના પોઝિટિવ થયો હતો.તબિયતના કારણે રામ રહીમને છેલ્લા એક મહિનામાં ચાર વખત જેલની બહાર લાવવામાં આવ્યો છે. રામ રહીમ ૨૦૧૭થી જેલમાં છે.

સીબીઆઈની વિશેષ કોર્ટે આશ્રમની બે સાધ્વીઓ સાથે રેપના મામલામાં રામ રહીમને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. પછી પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પણ તેને આજીવન કેદની સજા થઈ છે.

ત્યારથી રામ રહીમ જેલમાં બંધ છે.મહત્વની વાત છે કે, આજીવન કેદની સજા સાધ્વીઓના રેપ મામલે થયેલી ૨૦ વર્ષની કેદની સજા બાદ પૂરી થવાની છે.આમ રામ રહીમને ૭૦ વર્ષની વય થાય ત્યાં સુધી જેલમાં રહેવુ પડશે અને પછી આજીવન કેદની સજા શરુ થશે.

(7:45 pm IST)