Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નાસિકમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ કરતા પ્રેસમાંથી પાંચ લાખ ગાયબ

પ્રેસમાં કડક સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થઃ ચોરીએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી નાંખી, સુરક્ષા છતાં પાંચ લાખની નોટોનો હિસાબ મળી રહ્યો નથી

નાસિક, તા.૧૩ : ભારતની ચલણી નોટોનુ પ્રિન્ટિંગ કરતા નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખ રુપિયા ગાયબ થવાની હેરાન કરનારી ઘટના સામે આવી છે

પ્રિન્ટિંગ પ્રેસ દેશના સૌથી સુરક્ષિત સ્થળો પૈકીનુ એક મનાય છે અને તેમાં થયેલી ચોરીએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી નાંખી છે.કલ્પનામાં ના આવે તેવી આકરી સુરક્ષા વ્યવસ્થા હોવા છતા પાંચ લાખ રુપિયાની નોટોનો હિસાબ મળી રહ્યો નથી.

હાલમાં પ્રિન્ટિંગ પ્રેસ, તંત્ર અને પોલીસ બાબતે મૌન છે.નાસિકના કરન્સી નોટ પ્રિન્ટિંગ પ્રેસમાં દર વર્ષે હજારો કરોડો રુપિયાના મુલ્યની ચલણી નોટો છપાય છે.માટે અહીંયા ૨૪ કલાક અત્યાધુનિક ઉપકરણો સાથેની સુરક્ષા વ્યવસ્થા હોય છે.

નોટબંધી વખતે જ્યારે પ્રેસમાં નવી નોટો છપાતી હતી ત્યારે પ્રેસે મહત્વનો રોલ અદા કર્યો હતો.

જોકે પાંચ લાખ રુપિયાની  નોટો ગાયબ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જાસૂસી સંસ્થાઓ તેની તપાસ કરી રહી હતી પણ પ્રેસ દ્વારા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો ત્યારે કેસ સામે આવ્યો હતો.જોકે મોડી રાત સુધી કોઈ કેસ નોંધાયો નથી. મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો હોવાથી હાલમાં પ્રેસ દ્વારા કે પોલીસ દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

(7:44 pm IST)