Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દિલ્હી-એનસીઆરમાં આખરે વરસાદની એન્ટ્રીઃ લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત

નવી દિલ્હી,તા. ૧૩: દિલ્હી-એનસીઆરમાં આખરે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી અને હરિયાણાના ગુરૂગ્રામમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે. આજે મંગળવારની સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વરસ્યો જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. લોકો ખુબ જ ઉકળાટ અને ગરમી અનુભવી રહ્યા હતા જેમાંથી હવે તેમને રાહત મળી છે.

દિલ્હીમાં આજે સવારે ૭ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી વરસાદ પડ્યો જેણે આખી દિલ્હીને તરબતોળ કરી નાખી. અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. આ દરમિયાન સફદરજંગમાં ૨.૫એમએમ, આયાનગરમાં ૧.૩ એમએમ, પાલમમાં ૨.૪ એમએમ, રિઝ વિસ્તારમાં ૧.૦ એમએમ અને લોધી રોડ વિસ્તારમાં ૧.૯૪ એમએમ વરસાદ પડ્યો.

ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયો. મથુરા રોડ પર પાણી ભરાવવાથી ટ્રાફિક જામ થયો. જયારે સરિતા વિહાર, દિલ્હી કેન્ટ, સેન્ટ્રલ દિલ્હી સહિત અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે દિલ્હીમાં એનએચ-૯ ઉપર પણ ટ્રાફિક જામ થયો. દિલ્હીમાં સૌથી વ્યસ્ત રહેતા રસ્તામાંથી એક એમ્સ ફ્લાયઓવરની નીચે પાણી ભરાવવાથી લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળા છવાયા હતા. આ અગાઉ સોમવારે દક્ષિણી પશ્ચિમી મોનસૂન રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગર સુધી પહોંચ્યું અને દિલ્હી તથા હરિયાણાના વિસ્તારોને હાથતાળી આપી ગયું હતું. પરંતુ દિલ્હી અને ગુરૂગ્રામમાં થયેલા વરસાદે ગરમીમાં ઘટાડો કર્યો છે. ગુરૂગ્રામમાં થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દક્ષિણ-પશ્ચિમી દિલ્હી, દક્ષિણી દિલ્હીના ઝફરપુર, દ્વારકા, પાલમ, આયાનગર, ડેરામંડી,એનસીઆરના ગુરૂગ્રામ, માનેસર, બલ્લભગઢ, હરિયાણાના રોહતક, મહમ, ઝજ્જર, ફરૂખનગર, નૂંહ, સોહાના, પલવલ, યુપીના કાસગંજ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની વકી છે.

(3:25 pm IST)