Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

યુવા મંત્રીઓ સ્મૃતિ ઈરાની, સિંધીયા, સોનોવાલ, મનસુખ માંડવિયાને મહત્વની કેબીનેટ કમિટીઓમાં સ્થાન અપાયું

કેન્દ્રીય કેબીનેટના વિસ્તરણ બાદ હવે : સ્મૃતિ ઈરાની પહેલીવાર રાજકીય બાબતોની કેબીનેટ કમિટીમાં સામેલઃ યુવા મંત્રી સિંધીયા, ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક મંત્રી સીસીપીએમાં સામેલ

નવી દિલ્હી, તા. ૧૩ :. કેન્દ્રીય કેબીનેટમાં હાલમાં જ બદલાવ અને વિસ્તરણ બાદ હવે કેબીનેટની કમિટીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલમાં જ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલ કેટલાક યુવા નેતા અને પ્રમોશન મેળવનાર નેતાઓને કેબીનેટની કમીટીમાં સ્થાન મળ્યુ છે. જેમાં યુવા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ, સ્મૃતિ ઈરાની, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, અનુરાગ ઠાકુર વગેરેને જગ્યાઓ મળી છે. અત્રે એ નોંધનીય છે કે રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર જેવા મોટા ચહેરાઓ કેબીનેટની બહાર ચાલ્યા ગયા છે. એવામાં હવે કમિટીઓમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.

સંસદીય બાબતોની કેબીનેટની કમિટીમાં અર્જુન મુંડા, વિરેન્દ્રકુમાર, કિરણ રિજીજુ, અનુરાગ ઠાકુરની એન્ટ્રી થઈ છે. આ કમિટીનું સુકાન સંરક્ષણ મંત્રી રાજનાથના હાથમાં છે.

રાજકીય બાબતોની કેબીનેટ સમિતિમાં સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, ગીરીરાજસિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવની એન્ટ્રી થઈ છે. આ કમિટીનું સુકાન ખુદ મોદી પાસે છે.

ઈન્વેસ્ટમેન્ટ અને ગ્રોથ સાથે જોડાયેલી કેબીનેટની કમિટીમાં નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધીયા, અશ્વિની વૈષ્ણવની એન્ટ્રી થઈ છે. આ કમિટી પીએમના નેતૃત્વમાં કામ કરે છે.

રોજગાર અને સ્કીલ સાથે જોડાયેલી કમિટીમા ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ પુરી, આર.સી.પી.સિંહની એન્ટ્રી થઈ છે. આ કમિટીનું સુકાન પીએમ પાસે છે.

કેબીનેટમાં નિયુકત સુરક્ષા મામલાની કમીટીમાં કોઈ ફેરફાર નથી કરાયા.

સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીને રોજગાર અંગેની કમિટીમાં સ્થાન અપાયુ છે.

(11:29 am IST)