Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ધંધાની ગુડવિલ પર પણ હવે પછી કેપિટલ ગેઈન ટેક્‍સ લાગુ પડશે

ગુડવિલની રકમ ચૂકવીને તેનો દ્યસારો બાદ લેનારાઓને એકમ વેચતી વખતે વધુ ગુડવિલ મળશે તો ટેક્‍સનો બોજ વધશે

નવી દિલ્‍હી,તા. ૧૩: પણ હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન લાગુ કરવાની નિર્ણય લેવામાં આવ્‍યો છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ દ્વારા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવાની નવી ડેફિનેશન જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષથી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. પહેલા  ગુડવિલ પર ટેક્‍સ લેવામાં આવતો નહોતો. ૨૦૨૧-૨૨ના વર્ષથી તે લાગુ કરવામાં આવ્‍યો છે.

જૂની વ્‍યવસ્‍થા હેઠળ ધંધાની ગુડવિલ ધંધો વેચતી વખતે વેચી દેવામાં આવતી હતી. તેના અલગથી નાણાં લેવામાં આવતા હતા. અગાઉ તેના પર કોઈ જ ટેક્‍સ લાગુ કરવામાં આવતો નહોતો. કારણ કે ગુડવિલ એ સ્‍વયંભૂ જનરેટ થતી એસેટ છે. તેની કોઈ કોસ્‍ટ જ નથી.

સામાન્‍ય રીતે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન નક્કી કરવા માટે શેર્સની કિંમતમાંથી કોસ્‍ટ પ્રાઈસ બાદ કરતાં રહેતી રકમ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લાગે છે. પરંતુ ગુડવિલની કોઈ કોસ્‍ટ જ લાગતી નથી. તેથી આ ફોર્મ્‍યુલા પ્રમાણે તેની ગણતરી કરી શકાતી નહોતી. તેથી તેનો પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લાગતો જ નહોતો.

અગાઉ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શ્રીનિવાસન શેટ્ટીએ કમિશનર ઇન્‍કમટેક્‍સ સામે આ સંદર્ભમાં કેસ કર્યો હતો. તે વખતે સુપ્રીમ કોર્ટે શેરપ્રાઈસ માઈનસ કોસ્‍ટ પ્રાઈસ ઓફ ગુડવિલની વાત કરી હતી. પરંતુ તેમાં કોસ્‍ટ આવતી જ ન હોવાથી ગુડવિલ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લાગી શકે નહિ તેવા તારણ પર આવી હતી.

જોકે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષના બજેટમાં સરકારે તેના પર પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લગાડવાનો નિર્ણય લીધો છે. તેની વ્‍યાખ્‍યા હવે જાહેર કરવામાં આવી છે. ગુડવિલ પર ટેક્‍સ લઈ શકાય તે માટે કેટલાક વેપાર ઉદ્યોગો ગુડવિલનો પણ ઘસારો લેતા હોવાનું કારણ આગળ કરવામાં આવ્‍યું છે. વરસે દહાડે ૧૫ ટકા પ્રમાણે આ ઘસારો બાદ લેવામાં આવે છે.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોઈ વ્‍યક્‍તિએ કોઈ એકમ ખરીદ્યુ તેને માટે ગુડવિલ તરીકે રૂા. ૨૦ લાખ ચૂકવ્‍યા છે. હવે તે વાર્ષિક ૧૫ ટકા પ્રમાણે ઘટતી રકમ પર ઘસારો લે છે. આ રીતે છ વર્ષ સુધીમાં તેણે ૧૦ લાખનો ઘસારો લઈ લીધો હોવાનું અનુમાન કરીએ. પરિણામે ગુડવિલની રિટર્ન ડાઉન વેલ્‍યુ ૨૦ લાખથી ઘટીને ૧૦ લાખ થઈ જાય છે.

હવે ગુડવિલ સાથે તે એકમ ખરીદનાર તે જ એકમને ૨૦ લાખની ગુડવિલ સાથે વેચી દે છે. આ સંજોગોમાં તેની ગુડવિલની કોસ્‍ટ ૧૦ લાખ ગણાશે. તેની સેલ પ્રાઈસમાંથી તેની ગુડવિલની કોસ્‍ટ રૂા. ૧૦ લાખ બાદ કર્યા પછી બચતી રૂા. ૧૦ લાખની રકમ તેની વાર્ષિક આવકમાં ઉમેરાઈ જશે. આ આવક તેની ૩૦ ટકાના સ્‍લેબમાં આવે તો તેને ૩૦ ટકાના દરે તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ ચૂકવવો પડશે.

(10:22 am IST)