Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જીએસટી.. અપીલના કેસમાં કરદાતા હાજરીની જાણ ઓનલાઇન કરી શકશે

પહેલા હાજર નહીં રહેવાની જાણ કચેરીમાં કરવાની રહેતી હતી : નવા નિયમોમાં ફેરફાર કરાતા કરદાતાઓને સૌથી વધુ રાહત થશે

નવી દિલ્‍હી,તા. ૧૩: જીએસટી અપીલના કેસમાં અત્‍યાર સુધી કરદાતા હાજર રહેવાના નહીં હોય તો વિભાગની કચેરીમાં જઇને તેની જાણ કરવાની રહેતી હતી. પરંતુ જીએસટીમાં નવા નિયમો લાગુ કરવાના કારણે હવે કરદાતા ઓનલાઈન જ તેની જાણ કરશે તો પણ કરદાતાએ નક્કી કરેલી તારીખે સુનાવણી યોજવામાં આવશે.

ઇન્‍કમટેક્‍સ વિભાગની તમામ કામગીરી ફેસલેસ કર્યા બાદ જીએસટીમાં પણ તે જ પ્રમાણેતી કામગીરી માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જોકે નોટીસ આપતા પહેલા ડીન (ડોક્‍યુમેન્‍ટ આઇઈડેન્‍ટીફેકશન નંબર) નંબર લખવો ફરજીયાત કરી દેવામાં આવ્‍યો છે. તેજ પ્રમાણે હવે જીએસટીમાં અપીલના કેસમાં કરદાતાને નોટીસ મોકલવામાં આવ્‍યા બાદ કોઇ પણ કારણોસર કરદાતા સુનાવણીની નક્કી કરેલી તારીખે હાજર રહી શકે તેમ નહીં હોય તો અધિકારીને તેની જાણ લેખિતમાં અને જેતે ઓફિસમાં જઇને કરવાની રહેતી હતી. જેથી કરદાતા અથવા તો તેના વકીલ, સીએ, ટેક્‍સ કન્‍સલટન્‍ટે પણ પરેશાની વેઠવી પડતી હતી. તેના બદલે હવે જીએસટી અપીલના કેસમાં કરદાતા હાજર રહેવાના નહીં હોય તો જીએસટીના પોંર્ટલ પર જ તેની  જાણકારી આપી શકાય તેવી સુવિધા શરૂ  કરી દેવામાં આવી છે. અથવા તો કરદાતા  મેલ દ્વારા પણ તેની જાણકારી આપી . તેના લીધે કરદાતાઓએ વખતો  વખત જીએસટી કચેરીમાં ધક્કા ખાવામાંથી પણ છુટકારો થવાનો છે. તેમજ અધિકારીઓ દ્વારા થતી એક તરફી  કાર્યવાહીમાંથી પણ બચી શકાશે.

કરદાતા હાજર નહીં રહેતા એક તરફી કાર્યવાહી થતી હતી

અપીલના કેસમાં નક્કી કરેલી તારીખ પર કરદાતા હાજર નહીં રહે તો અધિકારી દ્વારા એક તરફી કાર્યવાહી કરી દેતા હતા, તેના કારણે કરદાતાએ આર્થિક નુકસાની વેઠવાની નોબત આવીને ઉભી રહેતી હતી. જેથી આ પ્રમાણેની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી પણ વખતો વખત રજુઆત પણ કરવામાં આવી હોવાથી ચાર વર્ષ બાદ આ સુવિધા શરુ કરવામાં આવી છે. તેનો સીધો લાભ કરદાતાઓને આગામી દિવસોમાં મળવાનો છે. - મિહીર મોદી, સીએ

(10:23 am IST)