Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ભારત બાયોટેક WHOને તમામ જરૂરી દસ્તાવેજો સોંપ્યા : કોવૈકસીન જલદી EULમાં થઇ શકે છે સામેલ

ઇયૂએલના બધા જરૂરી દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંસ્થાને ૯ જુલાઇ સુધી સોંપી દેવામાં આવ્યા છે : જલ્દી ઇયૂએલમાં સામેલ થવાની આશા છે : બાયોટેક

હૈદરાબાદ તા. ૧૩ : ભારતની સ્વદેશી વેકિસન કોવૈકસીન બનાવનાર કંપની ભારત બાયોટેકે આશા વ્યકત કરી છે કે જલદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પોતાની વેકિસનને આપાત ઉપયોગની યાદીમાં સામેલ કરી લેશે. કંપનીએ કહ્યું કે, કોવૈકસીનના ઈયૂએલ માટે બધા જરૂરી દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંગઠનને ૯ જુલાઈ સુધી સોંપી દેવામાં આવ્યા છે. હવે સમીક્ષા પ્રક્રિયા તે આશાની સાથે શરૂ થઈ છે કે અમે જલદી ડબ્લ્યૂએચઓ પાસેથી ઈયૂએ હાસિલ કરી લેશું.

ઉલ્લેખનીય છે કે કોવૈકસીન ભારતની સ્વદેશી કોરોના વેકિસન છે. તેનું નિર્માણ ભારત બાયોટેક કરી રહી છે. ભારતમાં જારી રસીકરણ અભિયાનમાં આ વેકિસન કોરોના વિરુદ્ઘ લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ડબ્લ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, કોવૈકસીને ઈયૂએલમાં સામેલ કરવાનો નિર્ણય ચારથી છ સપ્તાહમાં થઈ શકે છે.

સ્વામીનાથને ૯ જુલાઈએ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કરતા કહ્યું હતું કે કોવૈકસીનના નિર્માતા ભારત બાયોટેકે તેના બધા આંકડા અમારા પોર્ટલ પર અપલોડ કરી રહ્યાં છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા આ વેકિસનની સમીક્ષા કરી રહ્યું છે.

ડબ્લ્યૂએચઓના દિશાનિર્દેશો અનુસાર ઈયૂએલ એક પ્રક્રિયા છે જે હેઠળ નવા કે બિન-લાયસન્સ પ્રાપ્ત ઉત્પાદકોનો ઉપયોગ જાહેર સ્વાસ્થ્યની ઇમરજન્સી સ્થિતિમાં કરી શકાય છે. સ્વામીનાથને કહ્યું હતું કે, ઈયૂએલ એક પ્રક્રિયા હોય છે જેમાં કોઈ કંપનીએ ત્રણ તબક્કાની ટ્રાયલ પૂરી કરવાની હોય છે અને બધા આંકડા ડબ્લ્યૂએચઓના નિયામક વિભાગને જમા કરાવવાના હોય છે, જેનો અભ્યાસ નિષ્ણાત સલાહકાર જૂથ કરે છે.

ડબ્લ્યૂએચઓ ફાઇઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો-સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાઝેનેકા ઈયૂ, જાનસેન, મોડર્ના અને સિનોફાર્માની રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી ચુકયું છે. સ્વીમાનાથને કહ્યું હતું કે હાલ અમે છ રસીને ઈયૂએલની સાથે મંજૂરી આપી છે અને અમારા અમારું સ્ટ્રેટેજિક એકસપર્ટ કન્સલ્ટિંગ ગ્રુપથી ભલામણો પ્રાપ્ત થઈ છે. અમે કોવૈકસીનને લઈને આશાવાદી છીએ. ભારત બાયોટેકે અમારા પોર્ટલ પર તેના આંકડા અપલોડ કરવાનું શરૂ કરી દીધુ છે અને આ આગામી રસી હશે જેની સમીક્ષા અમારી નિષ્ણાંત સમિતિ કરશે.

(10:14 am IST)