Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દિલ્હી યુનિવર્સીટી કેન્દ્ર સરકારને આધીન : અંતિમ પરીક્ષા રદ કરવા આદેશ કરો : કેજરીવાલે લખ્યો પીએમ મોદીને પત્ર

દિલ્હી સરકારને આધીન આવતી યુનિવર્સિટીઓમાં કોઇ પરીક્ષા લેવામાં આવશે નહીં

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો. તેમણે પીએમને દિલ્હી યુનિવર્સિટી સહિત અને યુનિવરર્સિટીની પરિક્ષાઓ રદ કરવા વિનંતી કરી છે. પત્રમાં દિલ્હીના સીએમે લખ્યું કે કેન્દ્રીય સરકાર અને યુજીસી વિદ્યાર્થીઓના હિતમાં પોતાની ગાઇડલાઇન્સમાં ફેરફાર કરો અને અંતિમ પરીક્ષા રદ કરો. જેથી વિદ્યાર્થીઓ પોતાની ભવિષ્યની યોજનાઓનો આકાર આપી શકે.”

મુખ્યમંત્રી કેજરીવાલે પીએમને પત્રમાંલખ્યું કે“દિલ્હી સરકાર અને અન્ય ઘણી રાજ્ય સરકારોએ પોતાને ત્યાંની યુનિવર્સિટીઓને આવા આદેશ આપી દીધા છે. પરંતુ દિલ્હી યુનિવર્સિટી કેન્દ્ર સરકારને આધીન છે. તેથી ત્યાંથી આદેશ આપવા પડશે. વળી આ કામ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી જ થઇ શકે છે. તેથી તમે દખલ કરો.”

તેમણે વધુમાં લખ્યું કે જ્યારે આઇઆઇટી જેવા ઉચ્ચસ્ચતરીય શિક્ષણ સંસ્થાનોએ પણ પોતાના વિદ્યાર્થીઓને આંતરિક મુલ્યાંકનના આધારે અંતિમ વર્ષ માટેની ડિગ્રી આપી દીધી છે. તો અન્ય યુનિવર્સિટીઓને આવી પ્રક્રિયા અપનાવવામાં કોઇ મુશ્કેલી હોવા જોઇએ નહીં. એવા જ ઉપાયો અન્ય દેશોના શિક્ષણ સંસ્થાનોઓએ અપનાવ્યા છે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે જ કહી દીધું હતું કે દિલ્હી સરકારને આધીન આવતી યુનિવર્સિટીઓમાં કોઇ પરીક્ષા લેવામાં આવશે નહીં. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ તેમના છેલ્લા સેમિસ્ટર કે પહેલાં, બીજા વર્ષના માર્ક્સને આધારે ફાઇનલ માર્કસ આપી દેવાશે. તેના આધારે જ તેમને ડિગ્રી પણ આપવામાં આવશે.

(11:02 pm IST)