Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

એક્ટર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ની હાલત સ્થિર : તમામ સ્ટાફ નેગેટિવ

ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા હોમ કોરેન્ટાઈન થયાં : કુલ ૫૪ લોકો બચ્ચન ફેમિલીના સંપર્કમાં આવ્યા હતા, રવિવારે ૨૮ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા

મુંબઈ, તા. ૧૩ : એક્ટર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. બંનેની હાલત સ્થિર છે. તેમનામાં કોરોનાના બીજા લક્ષણો જોવા મળ્યા નથી, તેમ હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું છેઅમિતાભ અને અભિષેક ટ્રીટમેન્ટને સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે. તેમની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. બીજી તરફ બચ્ચન ફેમિલીના ચાર સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમના સ્ટાફ મેમ્બર્સનો પણ કોવિડ ટેસ્ટ થયો છે.                   

          બચ્ચન પરિવારના ઘરે હાજર તમામ સ્ટાફ કોરોના નેગેટીવ આવ્યા છે. કુલ ૫૪ લોકો બચ્ચન ફેમિલીના સંપર્કમાં આવ્યા હતા. રવિવારે ૨૮ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા જ્યારે ૨૬ લોકો હાઈ રિસ્ક પર હતા.

           આ તમામ ૨૬ લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. સોમવારે તમામ રિપોર્ટ આવ્યા હતા. તમામ લોકો કોરોના નેગેટીવ છે પરંતુ પ્રોટોકૉલને ધ્યાનમાં રાખતા તમામ ૨૬ લોકોને પણ આગામી ૧૪ દિવસો સુધી કોરેન્ટાઈન માટે મોકલવામાં આવ્યા છે. આરાધ્યા બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ કોરોના પોઝિટીવ આવ્યા બાદ હોમ કોરેન્ટાઈન છે. બિગ બીના ચારેય બંગલા સીલ કરી દેવાયા છે.

           સાથે પણ બીએમસીએ તેને કંન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. રવિવારે રાતે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના માટે દુઆ કરનારા ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. બિગ બીએ ટ્વીટમાં લખ્યું હતું કે જેમણે પોતાની પ્રાર્થનાઓ અભિષેક, એશ્વર્યા, આરાધ્યા અને મારા માટે વ્યક્ત કરી છે તે તમામને મારો હૃદયપૂર્વક આભાર માનું છું

(9:42 pm IST)