Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આવતા સોમવાર સુધી રાજયના ૮૦% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨૦ જુલાઈ સુધીની આગાહી : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના ૮૦% વિસ્તારોમાં ૩૫ મી.મી.થી ૭૫ મી.મી. સુધીનો તો કયાંક ૧૦૦ મી.મી.ને પણ વટાવી જાય : બાકીના વિસ્તારોમાં ૩૫ મી.મી. સુધી (ઝાપટા - હળવો - મધ્યમ) વરસાદ પડશે : આ વખતે દક્ષિણ - મધ્ય અને ઉત્તર ગુજરાતને પણ ફાયદો થશે

રાજકોટ, તા. ૧૩ : મેઘરાજાનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. ૨૦મી જુલાઈ સુધી રાજયના ૮૦ ટકા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો ઉભા થયા છે. જેમાં ૮૦ ટકા વિસ્તારોમાં ૩૫ મી.મી.થી ૭૫ મી.મી. સુધી તો કયાંક કયાંક ૧૦૦ મી.મી.ને પણ વટાવી જશે. જયારે બાકીના ૨૦ ટકા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડશે. વરસાદના આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ લાભ મળી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

ચોમાસુધરી નોર્થ રાજસ્થાનથી દિલ્હી અને હિમાલયની તળેટી તરફ જઈ રહી હતી તે હવે અમૃતસર, ચંદીગઢ, બરેલી અને ત્યાંથી પશ્ચિમ બંગાળ થઈ અને નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી તરફ જાય છે. આવતા દિવસોમાં તે ફરી નોર્મલ તરફ આવી જશે.

૩.૧ કિ.મી.ના લેવલનું એક સાયકલોનીર સરકયુલેશન મધ્ય અરબી સમુદ્ર ઉપર છે. તેનો એક ભાગ પશ્ચિમ સૌરાષ્ટ્ર - કચ્છ સુધી લંબાય છે. આવતા બે દિવસમાં આ અપરએર સાયકલોનીક સરકયુલેશન સૌરાષ્ટ્ર તરફ સરકશે. ઉપરાંત આવતા બે દિવસમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ઓડીસ્સા, આંધ્રથી મહારાષ્ટ્ર સુધી બહોળુ સરકયુલેશન છવાશે. આ બંને સરકયુલેશન ભેગા થઈ જશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૩ થી ૨૦ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના ૮૦ ટકા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો થયા છે. જેમાં આગાહીના સમય દરમિયાન ૩૫ થી ૭૫ મી.મી. સુધીનો વરસાદ પડશે તો કયાંક કયાંક ૧૦૦ મી.મી.ને પણ વટાવી જશે. બાકીના ૨૦ ટકા વિસ્તારોમાં ઝાપટા - હળવો - મધ્યમ એમ કુલ ૩૫ મી.મી. સુધીનો વરસાદ પડશે.

(3:20 pm IST)