Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગેહલોતનું શકિત પ્રદર્શન : ૧૦૯નો ટેકો હોવાનો દાવો

જયપુરમાં CM નિવાસે મીડિયા સમક્ષ ધારાસભ્યોની પરેડ કરાવી ૧૦૯ના સમર્થનનો દાવો કર્યો : કોંગ્રેસના ૧૭ ધારાસભ્યો ગેરહાજર : બે વખત ટળી ધારાસભ્યોની બેઠક : જો કે સચિન પાઇલોટ જુથ હજુ ૩૦ ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો કરી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૩ : રાજસ્થાનમાં રાજનૈતિક સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેની પાસે બહુમત રહેલું છે. આજે વિધાયક દળની બેઠક બે કલાક સુધી ટાળ્યા બાદ બપોરે અશોક ગેહલોતના આવાસ પર મીડિયાની સામે વિધાયકો સાથે શકિત પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જીંદાબાદની નારેબાજી વચ્ચે સીએમ અશોક ગેહલોતે રણદીપસિંહ સુરજેવાલા અને અજય માકનની સાથે વિકટ્રી નિશાન બનાવીને તે બતાવાના પ્રયત્નો કર્યા કે એકવાર ફરી તેઓએ જાદુ કરી દીધું છે.

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો દાળની બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા સચિન પાયલટની ને મનાવવાનો આખરી પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. તેમની સાથે ૨૫ થી વધુ ધારાસભ્યો છે એવામાં રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ આખરે કયાં જઈને અટકશે તે જોવાનું રહ્યું,

તો બીજી બાજુ જયપુર ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા અને મીડિયાની હાજરીમાં ધારાસભ્યોની સંખ્યા દર્શાવીને શકિત પ્રદર્શન કર્યું હતું, મુખ્યમંત્રી અશોક ગેહલોતને ૧૦૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત ચર્ચાઈ રહી હતી. તે દરમ્યાન ગેહલોતે મીડિયા સમક્ષ વિકટરી સાઈન દર્શાવી હતી.

રાજસ્થાન કોંગ્રેસન પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટએ દાવો કર્યો છે કે તેમની સાથે ૨૫ ધારાસભ્યો છે. સચિન પાયલટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જયપુર બેઠકમાં ભાગ નહિ લેવાના તો બીજી બાજુ અશોક ગેહલોતે પણ દાવો કર્યો છે કે તેમની પાસે ૧૦૯ વિધાયકોનું સમર્થન છે.

કેન્દ્રીય નેતાગીરી તરફથી જયપુર મોકલવામાં આવેલા સુરજેવાલાએ પણ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં સરકાર સ્થિર છે. વધુમાં સુરજેવાલાએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સ્થિર છે અને પોતાનો ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, સાથે જ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ સરકાર ઉથલાવી દેવાની ભાજપની કોઈ રણનીતિ સફળ નહિ થાય.

કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલ રણદીપ સુરજેવાલાએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સમરાંગણને લઈને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે છેલ્લા ૪૮ કલાકમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા અનેકવાર સચિન પાયલટ સાથે વાત કરવામાં આવી છે.

રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું છે કે કયારેક કયારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે. પરંતુ, તેને લઈને પોતાની જ સરકારને નબળી કરવી યોગ્ય નથી, જો કોઈ મતભેદ છે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે તેનું સમાધાન કરીશું, વ્યકિતગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી એ યોગ્ય નથી.

કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો કે ભાજપ તરફથી દરેક વખતે તાપસ એજન્સીઓને આગળ કરવામાં આવે છે. આજે સવારે જ કોંગ્રેસના સાથીઓ પર આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

રાજસ્થાનમાં ગેહલોત સરકાર સામે ખુદ તેમના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બળવાનું રણશિંગું ફૂંકી દીધું છે. સચિન પાયલોટે કહ્યું કે ગેહલોત સરકાર લઘુમતિમાં આવી ગઈ છે અને હાલ તેમની સાથે ૩૦ ધારાસભ્યો છે. અશોક ગહેલોતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી અને મીડિયા સમક્ષ ધારાસભ્યોને રજૂ કર્યા હતા. સચિન પાયલોટ અને તેમના સાથી સમર્થક ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસે હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો હતો.

બીજી તરફ અશોક ગેહલોતે મીડિયા સમક્ષ ૧૦૯ ધારાસભ્યોની પરેડ કરાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અશોક ગેહલોતે મીડિયાને કહ્યું કે સરકાર પાસે સંપૂર્ણ બહુમતિ છે અને સરકારને કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે સરકાર અને પક્ષમાં મતભેદ હોય છે.

જયપુર ખાતે પ્રવાહીશીલ રાજકીય સ્થિતિમાં ગેહલોત દ્વારા સચિન પાયલોટ પર ધારાસભ્યોની પરેડ કરીને પલટવાર કરવામાં આવ્યો છે. હવે સચિન પાયલોટ શું કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલ તો ચિત્ર એવું ઉપસી રહ્યું છેકે અશોક ગેહલોત પાસે સંપૂર્ણ બહુમતિ છે,પરંતુ આ બહુમતિ પાપડ પાતળી છે અને સરકાર પરનો ખતરો ટળ્યો હોય એવું રાજકીય વિશ્લેષકોને લાગી રહ્યું નથી. ગમે ત્યારે ગેહલોત સરકાર પડી ભાંગશે એવું માનવામાં આવી રહ્યું છે.

અશોક ગેહલોત અને સચિવ પાયલોટ વચ્ચેનો ખટરાગ ત્યારે ચરમસીમા પર પહોંચી ગયા કે જયારે રાજસ્થાન એસઓજીએ રાજદ્રોહની કલમ હેઠળ સચિન પાયલોટને સમન્સની બજવણી કરી હાજર થવાનું ફરમાન કર્યું હતું.

(2:47 pm IST)