Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

હોમિયોપેથીક દવા લેવા છતાં અમિતાભને કોરોના પોઝિટીવ

પ્રશંસકો ઉઠાવી રહ્યા છે સવાલો : હોમિયોપેથીને લઇને આયુષ મંત્રાલયની પણ પીછે હઠ : હોમિયોપેથીક દવા તો રોગપ્રતિકારક શકિત વધારે છે કોરોનાનો ઇલાજ હોવાનુ કયારેય કહેવાયુ નહોવાની કરાતી સ્પષ્ટતા : તેમ છતાય કોરોનાની કોઇ દવા શોધાય નહી ત્યાં સુધી હોમિયોપેથીક અને આયુર્વેદીક ઉપાયોથી રોગપ્રતિકારક શકિત મજબુત બનાવવા ફરી સલાહ

મુંબઇ તા. ૧૩ : સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના આખા પરિવારને કોરોના પોઝિટીવ આવતા હોમિયોપેથી સારવાર અંગે સવાલો ઉઠવા લાગ્યા છે.

ખુદ અમિતાભે અગાઉ કરેલ એક ટવીટ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં અમિતાભે કોરોનાથી બચવા હોમિયોપેથી દવા લેવાની સલાહ આપી હતી. કેટલાય લોકો ભરોષાના આધારે આ હોમિયોપેથી દવા લેતા થઇ ગયા હતા. ત્યારે હવે સવાલ એ ઉઠયો છે કે લગાતાર કોરોના પ્રિવેન્ટીવ મેડીસન લેવા છતા અમિતાભ પોતે કોરોનાથી કેમ સુરક્ષિત રહી ન શકયા?

હવે આ દવાઓને લઇને સવાલો ઉમપસ્થિત થયા છે. એ સાથે હોમિયોપેથી અને આયર્વેદના નામ પર વહેંચાતિ કોરોનાની દવાઓને લઇને પણ લોકોમાં અનેક શંકા કુશંકાઓ જન્મી છે.

અમિતાભને આશા હતી કે હોમિયોપેથી દવાઓને લઇને આયુષ મંત્રાલય ઝડપથી પોતાનું મંતવ્ય જાહેર કરશે. આ ઉપરાંત આના જેવી દવાઓના માધ્યમથી ભારત કોરોના સામે દુનિયાને માર્ગ દેખાડી શકે.

હોમિયોપેથીક દવાને લઇને અમિતાભ બચ્ચના ટવીટ પર કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા જ હતા. એક નેટીઝને તો ત્યાં સુધી સલાહ આપી હતી કે કઇંક ગંભીર ટવીટ કરો. કોરોના મહામારી દરમિયાન આવી સલાહ કારગત નહીં રહે. આ દવા કેવી રીતે મદદ કરે છે તે વિસ્તારથી જણાવો તેવુ પુછાતા અભિતાભે જવાબ દેવાનું ટાળ્યુ હતુ.

એક અન્ય શખ્સે હોમિયોપેથી દવાની તરફદારી કરવા બદલ અમિતાભનું ટવીટર હેન્ડલ સસ્પેન્ડ કરવાની સલાહ આપેલી. ટવીટર ઉપર એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે ૧૯૮૨ ની ઘટનામાં ઘાયલ થયા પછી ચાલીસેક વર્ષો સુધી અમિતાભ એલોપેથી ઇલાજ કરતા રહ્યા છે તો હવે તેઓ હોમિયોપેથી તરફ કેમ ઢળી રહ્યા છે? જો કે કેટલાક નેટીઝને તરફદારી પણ કરી હતી અને કહ્યુ હતુ કે ભારત કોરોના વાયરસથી સુરક્ષિત થશે. આયુષ મંત્રાલય સારી રીતે કામ કરી રહ્યુ છે.

અમિતાભ બચ્ચને જયારે ચીની એકસપર્ટ સાથેની ચર્ચાને લઇને માખી દ્વારા કોરોના ફેલાઇ શકે કે કેમ? તેવી વાત ઉચ્ચોલ ત્યારે પણ આલોચનાઓનો શીકાર બનવુ પડયુ હતુ. આ વીડિયો જાહેર થતા જ લોકોએ બચ્ચનજીને પાઠ ભણાવ્યો હતો.

જો કે હાલ અભિતાભ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ લોકો કરી રહ્યા છે. સંયમિત દિનચર્યા અને ખાવા પીવાની દેખરેખ જોતા અમિતાભ ખુબ જલ્દી કોરોનાને હરાવી દેશે તેવી આશા ઉજવળ બની રહી છે.

પરંતુ ચર્ચા તો એ વાતની પણ છે કે ખુદ ભારત આયુષ મંત્રાલયે પણ હોમિયોપેથીને લઇને પીછેહઠ કરી છે. મંત્રાલયે હવે એવી સ્પષ્ટતા કરી છે કે અમે   કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારવા હોમિયોપેથીની સલાહ આપી હતી. કોરોનાના ઇલાજ તરીકે નહી. આયુષ મંત્રી શ્રીપદ નાઇકે આવુ નિવેદન આપ્યુ છે.

મંત્રાલયે સ્પષ્ટ કહ્યુ છે કે કે હોમિયોપેથી, યુનાની કે આયુર્વેદમાં એવી કોઇ દવા નથી કે કોરોનાના વાઇરસને ખત્મ કરી શકે. પરંતુ રોગપ્રતિકારક શકિત વધારવા માટે તો આ ઇલાજ કરી જ શકાય. આ ઇલાજથી કોરોના માત્ર નહીં અન્ય રોગ સામે પણ રાહત મળી શકતી હોવાનું મંત્રાલયે જણાવ્યુ છે.

(11:52 am IST)