Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સંક્રમણ ઉપરાંત ૪ કારણોએ કેન્દ્ર સરકારની ચિંતામાં કર્યો વધારો

તેજીથી કેસમાં થઇ રહેલો વધારો, ઓછા ટેસ્ટ દર્દી વધુ, મૃત્યુઆંકમાં વધારો, જ્યાં સ્થિતિ સુધરી હતી ત્યાં ફરી સંક્રમણ

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સર્વાધિક ૨૮ હજારથી વધુ કેસ નોંધાય રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૮.૪૯ લાખ લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. જોકે પાંચ લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે પરંતુ સંક્રમણના દર સતત વધતો જાય છે તેથી કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે.

સંક્રમણ આ સપ્તાહે ખૂબ જ તેજીથી વધ્યું છે અને માત્ર સાત દિવસમાં ૧.૭૬ લાખથી વધુ કેસ નોંધાયા. છેલ્લા ત્રણ દિવસથી ૨૫ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ જુનના શરૂઆતી દિવસોમાં અત્યાર સુધીમાં રોજના નવા કેસમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

૧૦૦ ટેસ્ટ પર દર્દીની સંખ્યા વધી રહી છે. દરરોજના અઢી લાખથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. ગઇકાલે ૨.૮૦ લાખથી વધુ લોકોનું પરીક્ષણ થયું છે. જોકે સૌથી મોટી ચિંતા એ છે કે પ્રતિ ૧૦૦ ટેસ્ટ દર્દીની સંખ્યા વધી રહી છે.

દેશમાં સંક્રમણના કારણે મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. ગઇકાલે ૫૫૧ના મોત થયા છે અને કુલ આંકડો ૨૨,૬૭૪ સુધી પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ૫૦૦થી વધુના મોત થયા છે.

મધ્યપ્રદેશ - રાજસ્થાન અને ગુજરાત ફરી સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે જ્યાં સ્થિતિ કાબુમાં હતી ત્યાં પણ હવે કેસ વધી રહ્યા છે.

(11:51 am IST)