Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૮૭૦૧ કેસ, ૫૦૦નાં મોત

ભારતમાં કોરોનાનો કહેર યથાવત રીતે જારી : કોરોના વાયરસનો રિકવરી રેટ વધીને ૬૩.૦૧ ટકા સુધી પહોંચ્યો, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૫૦ લોકો સ્વસ્થ્ય

નવી દિલ્હી, તા. ૧૩ : કોરોના વાયરસની બીમારીએ થોડું થંભ્યા પછી હવે ફરીએક વાર દુનિયાભરમાં માથું ઉંચકવાનું રૂ કર્યું છે. તેની સાથે ભારતમાં પણ વાયરસનો આતંક વકરી રહ્યો છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૮૭૮૨૫૪ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૮૭૦૧ નવા કેસ નોંધાયા છે. ભારત અત્યારે વિશ્વમાં કેસમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

           ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ  ૬૩.૦૧ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૫૦ લોકો સ્વસ્થ્ય થયા છે. સાથે આંકડો વધીને ૫૫૩૪૭૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૩૧૭૪ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૩૦૧૬૦૯ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૫૪૪૨૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૨૮૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે.

           તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૮૪૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૬૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૧૨૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૪૧૯૦૮ લોકો સંક્રમણમાં આવ્યા છે. ૨૦૪૭ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૨૯૦૬૨૫૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૫૬૯૦૨૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૭૧૧૧૩૩૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૫૨૨૫૮૯૩ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકાનો સમાવેશ થાય છે. બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

(7:27 pm IST)