Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શું ગેહલોત સરકારનું કાઉન્ટડાઉન શરૃઃ રાજસ્થાનમાં નંબર ગેમ શું કહે છે?

ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છેઃ સચિન પાયલોટ તરફથી કહેવામાં આવ્યું છે કે ગેહલોત સરકાર અલ્પમતમાં છેઃ આ નિવેદન સરકારને સંકટમાં મુકી શકે છે

નવી દિલ્હી, તા.૧૩: ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. આજે ગેહલોત સરકારના ભાગ્યનો નિર્ણય થઈ જશે. સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ના પાડી દીધી છે. સચિન પાયલોટનું ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ ન લેવો એટલે કે રાજસ્થાનમાં ખુરશીની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.

જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સચિન પાયલોટની સાથે હરિયાણાના મેવાતમાં રોકાયેલા છે, જયાં ભાજપની સરકાર છે. સચિન પાયલોટ તરફથી કહેવામાં આવ્યું છે કે ગેહલોત સરકાર અલ્પમતમાં છે. આ નિવેદન ગેહલોતને સંકટમાં મુકી શકે છે. શનિવારથી લઈને અત્યાર સુધી કોઈ નેતાની સચિન પાયલોટ સાથે વાતચીત થઈ નથી, પરંતુ પાયલોટે સિંધિયા સાથે મુલાકાત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે સચિન પાયલોટની સાથે ૨૭ કોંગ્રેસ ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ સિવાય ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ પાયલોટને સમર્થન આપી રહ્યાં છે અને તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે થનારી કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક પહેલા વિધાનસભા અધ્યક્ષને પાયલોટના સમર્થક ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની પાસે પોતાના ૧૦૭ ધારાસભ્યો છે. તેની સાથે ૧૨ અપક્ષ અને ૬ અન્ય પાર્ટીઓના ધારાસભ્યો છે. તો ભાજપની પાસે ૭૨ ધારાસભ્યો છે અને આરએલપીના ૩ ધારાસભ્યો તેના સમર્થનમાં છે. જો પાયલોટ ૨૭ ધારાસભ્યોને તોડવામાં સફળ થાય તો ગેહલોત સરકાર અલ્પમતમાં આવી જશે. તેવામાં બહુમત સાબિત કરવા માટે ૧૦૧ ધારાસભ્યોની જરૂર પડશે, આ આંકડો ભેગો કરવો સરળ રહેશે નહીં.

હાલનું સમીકરણઃ કુલ સીટ - ૨૦૦, બહુમત માટે - ૧૦૧, કોંગ્રેસ-૧૦૭ની સાથે ૧૨ અપક્ષ, અન્ય ૬ છે. ભાજપ-૭૨ની સાથે આરએલપી-૩ છે.

(10:35 am IST)