Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આજે રાજસ્થાનમાં 'બળાબળ'ના પારખાં: રાજકીય સ્ટંટ પરમસીમાએ

સચિન પાયલોટ અને ગેહલોતની ઇજ્જત દાવ પર

જયપુર,તા.૧૩: દેશ ની લોકશાહી ને જાણે બટ્ટો લાગ્યો હોય તેવું જણાઈ રહયું છે કેટલાક બુઝુર્ગ જાણકારો એવો પણ મત વ્યકત કરી રહ્યા છે કે એક દિવસ એવો આવશે કે જેની બોલી વધુ તેની સરકાર અને આઇપીએલ ની રમત જેવું થઈ જશે હાલ માં ધારાસભ્યો ખરીદ વેચાલ પ્રક્રિયા ખુબજ નિરાશાજનક છે. રાજસ્થાનમાં હાલ રાજકકારણ ચરમસીમાએ છે. મોડી રાત્રે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અવિનાશ પાંડે, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પાંડેએ કહ્યું કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંપૂર્ણ સલામત છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના ૧૦૯ ધારાસભ્યોએ સમર્થનનાં પત્રો સોંપ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં અત્યારે ભૂકંપ આવી ગયો છે. રાજયના યુવા નેતા અને નાયબ મુખ્યમંત્રીની નારાજગી બાદ રાજય સરકાર કટોકટીનો સામનો કરી રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અવિનાશ પાંડેએ મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આજે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળશે. આ માટે કોંગ્રેસના ધારાસભ્યોને વ્હીપ આપવામાં આવ્યો છે. પાંડેએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ધારાસભ્ય વ્હિપનું ઉલ્લંઘન કરશે તો શિસ્તબદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.

અવિનાશ પાંડેએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે જયારે આખો દેશ કોરોના મહામારીથી પીડિત છે, ત્યારે ભાજપ રાજય સરકારોને અસ્થિર કરવામાં વ્યસ્ત છે. પાંડેએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે રાજયની રાજકીય પરિસ્થિતિ પાછળ ભાજપનો હાથ છે. આમ આજની સ્થિતિ ઉપર સૌની નજર ટકેલી છે અને આજના ઘટનાક્રમ ઉપર સૌની નજર મંડાયેલી છે.

હાલની જે સ્થિતિ છે તે મુજબ જો સચિન પાયલટ ત્રીજા મોરચાનો વિકલ્પ અપનાવે છે તો તેમને કોંગ્રેસના ૩૦ ધારાસભ્યોનો ટેકો મળી શકે છે. જો ભાજપમાં જોડાશે તો લગભગ ૧૮ ધારાસભ્યો તેમની સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા તૈયાર છે. હાલની રાજનીતિની સ્થિતિ અને રાજકીય નંબર ગેમમાં ૧૮ ધારાસભ્યોના રાજીનામાથી અશોક ગેહલોતની સરકાર લદ્યુમતીમાં આવતી દેખાતી નથી. અત્યારે રાજસ્થાનમાં ભાજપના ૭૨ ધારાસભ્યો છે, આરએલપીના ૩ ધારાસભ્યો તેમને સમર્થન આપી રહ્યા છે. આ રીતે આ કેમ્પમાં ૭૫ ધારાસભ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે પોતાના ૧૦૭ ધારાસભ્યો છે અને અપક્ષો અને અન્ય નાના પક્ષોના ટેકાથી તે બહુમતીની સંખ્યા ૧૨૦ના સરળતાથી સ્પર્શ કરી રહી છે. બંનેની તુલના કરીએ તો ૪૫ ધારાસભ્યોનો તફાવત છે. આવી સ્થિતિમાં ૧૮ ધારાસભ્યોના રાજીનામા બાદ પણ ગેહલોત સરકાર બહુમતી સંખ્યા સાથે પોતાના સ્થાને રહી શકે તેવું ગણિત છે ત્યારે આજે દેશભરમાં રાજકીય રસિયાઓ ની નજર રાજસ્થાનના રાજકારણ ઉપર ટિકી છે અને આજે શુ નવા જૂની થાય છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.

(10:44 am IST)