Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના : સાજા થયા પછી ૮૭% લોકોનું જીવન સામાન્ય નથી

એક ચોંકાવનારૂ સંશોધન : થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે છે : માત્ર ૧૩ ટકા લોકો જ એવા છે જેમને કોઇ સમસ્યા ન્હોતી : સામાન્ય જિંદગી તરફ પાછા ફર્યા

નવી દિલ્હી તા. ૧૩ : કોરોનાથી જંગ જીતીને જે લોકો ઘરે પાછા ફરી રહ્યા છે શું તેઓ હકીકતમાં સ્વસ્થ છે ? શું તેઓ તત્કાલ સામાન્ય જિંદગી તરફ પાછા ફરે છે. આ બધી બાબતોને લઇને પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ સામે આવ્યો છે. જે અનુસાર સ્વસ્થ થયા બાદ પણ ૮૭ ટકા લોકોનું જીવન સામાન્ય હોતુ નથી.

જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસો.માં પ્રકાશિત આ સંશોધન ઇટાલીના કોરોનાના દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતના સંદર્ભમાં પણ તેનું મહત્વનું છે. રોમની યુનિ. ઓફ આગોસ્તીના સંશોધનકારોએ કોરોનાના ૧૪૩ સાજા થયેલા દર્દીઓ પર ૨ મહિનાના અભ્યાસ બાદ આ તારણ કાઢયા હતા. એ દર્દી ૨ સપ્તાહ સુધી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર હતા.

સંશોધનકારોએ કહ્યું હતું કે, માત્ર ૧૩ ટકા લોકો એવા છે જેમને કોઇ શારીરિક મુશ્કેલી નથી અનુભવાઇ અને તેઓ સામાન્ય જિંદગીમાં પરત આવ્યા હતા.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે બધા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટીવ હતો. બે મહિના પછી કોઇ દર્દીને ફરી તાવ નહોતો આવ્યો પણ દર્દીમાં અનેક એવા લક્ષણો જોવા મળ્યા જે બિમારી દરમિયાન થાય છે.

૫૦ ટકા સાજા થયેલા દર્દીને થકાન લાગતો હતો, ૪૩ ટકાને શ્વાસ લેવાની તકલીફ હતી તો ૩૩ ટકાને સાંધામાં દુઃખાવો થયો હતો. ૫૫ ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં આ ત્રણ લક્ષણ જોવા મળ્યા હતા.

સંશોધનકારોએ કહ્યું છે કે, અભ્યાસ નાનો છે પણ સંકેત આપે છે કે હોસ્પિટલમાં દાખલ ગંભીર રોગોના દર્દી પર લાંબા સમય સુધી અસર રહે છે.

કોરોના બિમારી દર્દીને કામચલાઉ રીતે દિવ્યાંગ પણ બનાવી શકે છે.

(12:05 pm IST)