Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સતત ૫ દિવસથી પાકિસ્તાનનું સીઝફાયર ઉલ્લંઘનઃ બારામુલ્લામાં સૈન્યએ ઠાર માર્યા લશ્કરના ૩ આતંકવાદી

શ્રીનગર, તા.૧૩: બારામુલ્લામાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ભારે દ્યર્ષણ થયું હતું. આ દરમિયાન સૈન્યએ તોયબાના ત્રણ આતંકીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અહીંના સોપોરમાં આવેલા રેબાન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સૈન્ય દ્વારા મધરાત્રે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જોકે પરોઢે આતંકીઓને સૈન્યની જાણકારી મળી જતા સામસામે ગોળીબાર શરૂ થઇ ગયો હતો. આ ઓપરેશન ઘણા કલાક સુધી ચાલ્યું હતું, જોકે અંતે ત્રણ આતંકીઓ સ્થળ પર જ ઠાર મરાયા હતા. આ દ્યર્ષણ જે સ્થળે થયું ત્યાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા.

કાશ્મીરના આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે સોપોરમાં જે આતંકીઓ માર્યા ગયા તેમાં એક પાકિસ્તાની પણ હતો, આ આતંકીએ અગાઉ સીઆરપીએફ પર હુમલો કરી દીધો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો જયારે એક નાગરિકનું પણ મોત નિપજયું હતું. આ આતંકીનું નામ ઉસ્માન છે અને તેને ઠાર મારવામાં આવ્યો છે.

દરમિયાન પુલવામામાં આતંકીઓએ સૈન્ય પર હુમલો કરી દીધો હતો, આતંકીઓએ અહીંના પુલવામામાં અવંતીપોરામાં ચેરસુ વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ આતંકીઓએ ગ્રેનેડ ફેકયો હતો. અહીં તૈનાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) પર આ બોમ્બ ફેકવામાં આવ્યો હતો. આતંકીઓ મોટરસાઇકલ પર બેસીને આવ્યા હતા અને ગ્રેનેડ ફેકીને ભાગી ગયા હતા.

જોકે આ ગ્રેનેડ ફુટયો નહોતો તેથી એક મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ પાકિસ્તાન દ્વારા હજુ પણ સરહદે તોપમારો જારી છે, સતત પાંચમાં દિવસે પાકિસ્તાને સરહદે ગોળીબાર કર્યો હતો. આ વખતે ફરી રાજોરી અને પૂંચ સેકટરને નિશાન બનાવ્યા હતા. જોકે ભારતીય જવાનોએ પણ આક્રમક રીતે જવાબ આપ્યો હતો.(૨૩.૨)

(9:55 am IST)