Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કર્ણાટકમાં પૂરબહારમાં ખીલી 'રીસોર્ટની રાજનીતિ': ભાજપ-કોંગ્રેસ-જેડીએસની ધારાસભ્યોને અકબંધ રાખવા દોડધામઃ મુખ્યમંત્રી બાગીઓને કાયદાની ચૂંગાલમાં ફસાવવા માંગે છે

મુખ્યમંત્રીએ એવો પાસો ફેંકયો કે ભાજપે પણ પોતાના ધારાસભ્યોને એક રાખવા રીસોર્ટમાં મોકલવા પડયા

બેંગ્લોર, તા. ૧૩ :. કર્ણાટકમાં જબરા રાજકીય ખેલ ખેલાઈ રહ્યા છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ બહુમત સાબિત કરવાનો પડકાર ફેંકયો છે. રાજકીય જાણકારોનું કહેવુ છે કે, સીએમ બહુમત પરીક્ષણ થકી બાગી ધારાસભ્યને પક્ષાંતરના કાનૂનના પેચમાં ફસાવવા માગે છે.

એક વખત વિશ્વાસનો મત થાય છે તો તેના પર ચર્ચા અને મતદાન વિધાનસભાનું બાકીનુ કામ એકબાજુ રાખી તેને પ્રાથમિકતા આપવાની હોય છે. કોંગ્રેસ અને જેડીએસ પોતાના સભ્યોને હાજર રહેવા અને પ્રસ્તાવના પક્ષમાં મત આપવા માટે વ્હીપ જારી કરશે. આ ધારાસભ્યમાં એ ધારાસભ્યો પણ સામેલ હશે જેમના રાજીનામા પર સ્પીકરે ફેંસલો કરવાનો બાકી છે.વ્હીપનું ઉલ્લંઘન કર્યા બાદ ધારાસભ્યોનંુ સભ્ય પદ પર પક્ષાંતર કાનૂન હેઠળ તલવાર લટકશે કારણ કે બાગી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોની સંખ્યા તેમના પક્ષોની સંખ્યાથી બે તૃતિયાંશ ઓછી છે. એવામાં જો ધારાસભ્યો ગૃહમાં ન આવે કે પ્રસ્તાવના વિરોધમાં મત આપે તો તેમના ઉપર સભ્ય પદ ગુમાવવાનો ખતરો ઉભો થશે તે પછી ભલે સરકાર બહુમત સાબિત ન કરી શકે સ્પીકર એ ધારાસભ્યોનું સભ્ય પદ રદ્દ કરી શકે છે.

સભ્ય પદ રદ્દ થવાનો મતલબ એ છે કે જો ભાજપની સરકાર બને તો એ ધારાસભ્યો ભાજપની તરફેણ કરી નહી શકે કે તેમને પક્ષ બદલવાનો કોઈ ફાયદો નહિ થાય.

દરમિયાન કર્ણાટકમાં રીસોર્ટની રાજનીતિ પૂરબહારમાં ખીલી છે. ભાજપે પોતાના ધારાસભ્યોને રીસોર્ટમાં મોકલી દીધા છે, તો કોંગ્રેસે પોતાના ૫૦ ધારાસભ્યોને કલાર્ક એકજોટિકા કન્વેન્શન રીસોર્ટમાં મોકલી દીધા છે. જનતા દળ સેકયુલરના ધારાસભ્યો પણ ગોલ્ફશાયર રીસોર્ટમાં મોકલી દેવાયા છે. બાગી ધારાસભ્યો પણ રીસોર્ટમાં છે.  મુખ્યમંત્રીએ એવો પાસો ફેંકયો કે ભાજપે પણ પોતાના ધારાસભ્યોને રીસોર્ટમાં મોકલવા પડયા.

(3:46 pm IST)