Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ન્યુનત્તમ દૈનિક મઝદુરી કેન્દ્રએ ૧૭૮ રૂપિયા નક્કી કરવી છેઃ નિષ્ણાંતોની પેનલે ૩૭૫ રૂપિયાની ભલામણ કરી છે

સરકારના નિર્ણયથી સંઘ સાથે જોડાયેલ યુનિયન લાલઘુમ

નવી દિલ્હી, તા. ૧૩ :. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ૧૮૦ રૂ.થી ઓછુ દેશવ્યાપી દૈનિક ન્યુનત્તમ વેતનનું બીલ રજુ કરવા માટે લગભગ તૈયાર છે. સરકારના ખુદની એકસપર્ટ પેનલે ૩૭૫ રૂ. પ્રતિદિન ન્યુનત્તમ વેતનની ભલામણ કરી છે. જેને અભેરાઈ પર મુકી આ બીલ રજૂ કરવાની તૈયારી થઈ રહી છે. સ્વતંત્ર વિશ્લેષકો અને બે ટ્રેડ યુનિયનના સભ્યોએ સરકારના આ પગલાને મઝદુર વિરોધી ગણાવ્યુ છે. તેઓનું કહેવુ છે કે સરકારે દેશભરના ૪૦ કરોડ મઝદુરો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

૧૦મી જુલાઈએ શ્રમમંત્રી ગંગવારે કહ્યુ હતુ કે ન્યુનત્તમ વેતન ૧૭૮ રૂ. પ્રતિદિન હશે પરંતુ તેઓએ સરકારની સમગ્ર યોજના જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકારના આ પગલાથી ૪૦ કરોડ લોકોને ફાયદો થશે. કેટલાક રાજ્યોમાં હાલ દૈનિક વેતન ૫૦, ૬૦ અને ૧૦૦ રૂ. છે. અમે ૧૭૮ રૂ. નક્કી કર્યા છે.

શ્રમ અર્થશાસ્ત્રી અનુપ સતપથીના નેતૃત્વવાળી એક કમીટીએ ન્યુનત્તમ દૈનિક મજુરી ૩૭૫ રૂ. નક્કી કરવી જોઈએ એવી ભલામણ કરી છે. જ્યારે સરકારે જે રકમ નક્કી કરી છે તે આનાથી અડધી છે. કમીટીએ દેશના ૫ ક્ષેત્રો માટે ૩૪૨ રૂ.થી લઈને ૪૪૭ સુધીના વૈકલ્પીક દરો પણ સૂચવ્યા છે.

સરકારના આ પ્રસ્તાવથી સંઘ સાથે જોડાયેલ ભારતીય મઝદુર સંઘે પણ આનો વિરોધ કર્યો છે. તેનુ કહેવુ છે કે ૧૭૮ રૂ. દૈનિક વેતન નિરર્થક છે. ૧૭૮ રૂ.ની જાહેરાત આશ્ચર્યજનક છે.

(11:21 am IST)