Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

લોકસભામાં મોડી રાત સુધી કામકાજ :નવો રેકોર્ડ

૧૮ વર્ષમાં પહેલી વખત મોડી રાત સુધી થયું કામકાજ

નવી દિલ્હી, તા.૧૩: ભારતની સંસદમાં છેલ્લા ૧૮ વર્ષમાં લોકસભાની સૌથી લાંબી બેઠક ગુરુવારે ચાલી હતી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલયની ગ્રાન્ટની માગણીઓ પર ચર્ચા કરવા ગુરુવારે લોકસભાની બેઠક રાતના ૧૧.૫૮ કલાક સુધી ચાલી હતી. છેલ્લા ૧૮ વર્ષમાં પહેલીવાર લોકસભાની બેઠક આટલી લાંબી ચાલી હતી. જોશીએ જણાવ્યું હતું કે, ગુરુવાર બપોર બાદ રેલવેની ગ્રાન્ટની માગણીઓ પર ચર્ચાનો પ્રારંભ થયો હતો. જેમાં ૧૦૦ સાંસદોએ ભાગ લીધો હતો. ગુરુવારે બપોરે શરૂ થયેલી ચર્ચા રાતના ૧૧.૫૮ કલાકે સમાપ્ત થઈ હતી જે એક રેકોર્ડ છે.

ચર્ચા દરમિયાન વિપક્ષે આરોપ મૂકયો હતો કે, મોદીસરકાર રેલવેની સેવાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રેલવેની સંપત્તિઓ વેચી દેવાના પ્રયાસ કરી રહી છે. વિપક્ષોએ દાવો કર્યો હતો કે, એનડીએ સરકાર લોકોને કયારેય પૂરાં ન થઈ શકે તેવા બુલેટ ટ્રેનના સ્વપ્ન બતાવી રહી છે.

અત્યાર સુધીની લોકસભાની સૌથી લાંબી બેઠક ૨૬ જુલાઈ ૧૯૯૬ના રોજ યોજાઈ હતી. તે સમયે રેલવે બજેટની ચર્ચા ૨૪,૨૫ અને ૨૬ જુલાઈના રોજ યોજાઈ હતી. ૨૬ જુલાઈએ લોકસભાની કાર્યવાહી સવારે ૧૧ કલાકે શરૂ થઈ હતી જે બીજા દિવસે સવારે ૭ કલાકે પૂરી થઈ હતી. જે સતત ૨૦ કલાક ચાલી હતી.(૨૩.૪)

(10:01 am IST)