Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારત ઈતિહાસ રચવા તૈયારઃ સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ

મિશન મુનનું કાઉન્ટડાઉન શરૂઃ સપ્ટેમ્બરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડીંગ કરશેઃ ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર અમેરિકા, રૂસ અને ચીન બાદ ભારત ચોથો દેશ બનશેઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હજુ સુધી કોઈએ યાન ઉતાર્યુ નથીઃ ચંદ્રયાન-૨ ચંદ્ર ઉપર બાવન દિવસ પસાર કરશેઃ ૧૦૦૦ કરોડનું છે મુન મિશનઃ ચંદ્રયાન-૨ના ૩ ભાગ છે લેન્ડર, આર્બીટર અને રોવરઃ ચંદ્રની સપાટી પર મળનારા મિનરલ્સ અને અન્ય પદાર્થોનો ડેટા મળશે

નવી દિલ્હી, તા. ૧૩ :. ઈસરો દ્વારા ૧૫મીએ ચંદ્રયાન-૨નું લોન્ચીંગ કરવામાં આવશે. જે અંગેની તમામ તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. ચંદ્રયાન-૨ ભારતનું બીજુ મુન મિશન છે. પહેલીવાર ભારત ચંદ્રમાંની સપાટી પર લેન્ડર અને રોવર ઉતારશે. ત્યાં ચંદ્રયાન-૨ ચંદ્રમાની સપાટી, વાતાવરણ, વિકીરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આને તૈયાર કરવામાં લગભગ ૧૧ વર્ષ લાગ્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ આ માટે ઘણી મહેનત કરી છે. ઈસરોના કહેવા મુજબ ૬ સપ્ટેમ્બરે ચંદ્રમાના સાઉથ પોલ પર ચંદ્રયાન-૨ ઉતરશે.

૧૫મી જુલાઈએ સવારે ૨.૫૧ કલાકે જીએસએલવી એમકે-૩ ચંદ્રયાન-૨ને લઈને ચંદ્ર તરફ આગળ વધશે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ભાગ પર લેન્ડ કરશે. એ સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રૂસ અને ચીન પોતાના યાનોને ચંદ્રની સપાટી પર મોકલી ચૂકયા છે. અત્યાર સુધી કોઈપણ દેશે ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવની પાસે યાન નથી ઉતાર્યુ. સાથોસાથ આ એવુ પહેલુ મિશન છે જેની કમાન બે મહિલાઓ પાસે છે. આ મિશન સંપૂર્ણ સ્વદેશી છે જેને ઈસરોએ તૈયાર કર્યુ છે.

આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટા ખાતેથી તેનુ લોન્ચીંગ કરવામાં આવશે. ચંદ્રયાન-૨નુ વજન ૩૮૦૦ કિલો છે અને તેની પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ યાન ચંદ્ર પર બાવન દિવસ રોકાશે. ચંદ્રયાન-૨ના ત્રણ ભાગ છે જેમાં એક લેન્ડર છે તેનુ વજન ૧૪૦૦ કિલો અને લંબાઈ ૩.૫ મીટર છે. તેમાં ૩ પેલોડ હશે તે ચંદ્રમા પર ઉતરી રોવર સ્થાપિત કરશે. બીજુ આર્બીટરનુ વજન ૩૫૦૦ કિલો અને લંબાઈ ૨.૩૫ મીટર છે. જે ૮ પેલોડ લઈને જશે. તે પેલોડ સાથે ચંદ્રમાનુ ચક્કર લગાવશે. આર્બીટર અને લેન્ડર ધરતીથી સીધા સંપર્ક કરશે પરંતુ રોવર સીધો સંપર્ક કરી નહિ શકે. રોવરનું નામ છે પ્રજ્ઞાન જેનો અર્થ થાય છે બુદ્ધિ. તેનુ વજન છે ૨૭ કિલો અને લંબાઈ ૧ મીટર છે. તેમા બે પેલોડ હશે. જે સોલાર એનર્જીથી ચાલશે અને પોતાના ૬ પૈડાની મદદથી ચંદ્ર ઉપર ફરી માટી અને પથ્થરના નમૂના લેશે.

લોન્ચ બાદ ધરતીની કક્ષાથી નીકળીને ચંદ્રયાન-૨ રોકેટથી અલગ થઈ જશે. રોકેટ નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પહોંચશે તે પછી લેન્ડર આર્બીટરથી અલગ થઈ જશે. આર્બીટર ચંદ્રમાની કક્ષાનુ ચક્કર લગાવવાનુ શરૂ કરશે.

ચંદ્રયાન-૨નો હેતુ ચંદ્રમાની સપાટી પર પાણીના પ્રસાર અને તેની માત્રા નક્કી કરવાનો હશે. ચંદ્રયાન-૨ ચંદ્રમાની મોસમ, ખનીજ અને તેની સપાટી પરના રાસાયણિક તત્વોનો અભ્યાસ કરશે.

આપણી ધરતીથી ચંદ્રમાં ૩૮૪૪૦૦ કિ.મી. દૂર છે. અત્રે એ નોંધનીય છે કે ૧૦ વર્ષ પહેલા ઓકટોબર ૨૦૦૮માં ચંદ્રયાન-૧નુ લોન્ચીંગ થયુ હતું. જે ૧ વર્ષ ચાલ્યુ હતું. તે ચંદ્રમાની કક્ષામાં ૩૧૨ દિવસ રહ્યુ હતું. ચંદ્રયાન-૧ એ ચંદ્રમા પર બરફ હોવાના પુરાવા આપ્યા હતા.

 

(11:58 am IST)