Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૩૬૫૪૨ની સપાટી ઉપર

નિફ્ટી અને સેંસેક્સ બંનેમાં નજીવો ઘટાડો નોંધાયો : નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો નોંધાયો

મુંબઇ,તા. ૧૩ : શેરબજારમાં આજે હાલમાં ચાલી રહેલી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં તેની અસર શેરબજાર ઉપર દેખાઈ ન હતી. બીએસઈ સેંસેક્સ સાત પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટી ઉપર રહ્યો હતો. ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આજે પણ નવેસરની ઓલટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચી ગયો હતો. તેની સપાટી ૩૬૭૪૦ નોંધાઈ હતી. આઈટીના પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા શેરબજારમાં સ્થિતિ સારી રહી પરંતુ અંતે તેમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૧૯ની સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં ૨.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેની સપાટી નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૧૩૨૩ નોંધાઈ હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં આજે રિકવરી જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં તંગદિલી તમામ ઉપર અસર કરી રહી છે. ગઇકાલે સેંસેક્સ ૨૮૨ પોઇન્ટ ઉછળીને ૩૬૫૪૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે હાંસલ કરવામાં આવેલી ૩૬૨૮૩ની સપાટીને આજે કુદાવી લીધી હતી. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલ સ્ટ્રીટમાં અસર જોવા મળી છે. મધ્યપૂર્વમાં પ્રવર્તી રહેલી તંગદિલી અને તેલ ઉત્પાદન કરતા દેશોમાં ખલેલની અસર પણ દેખાઈ રહી છે.

(7:33 pm IST)