Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સુપ્રીમ સોશિયલ મિડિયા હબ રચવાના સંદર્ભે ભારે લાલઘૂમ

હબ રચવાની બાબત નિરીક્ષણ રાજ સમાન છે : બે સપ્તાહમાં જવાબ આપવા કેન્દ્રને હુકમ : નાગરિકોના વોટ્સએપ સંદેશાઓ ટેપ કરવાનો મુદ્દો જોરદાર છવાયો

નવીદિલ્હી,તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ડેટા ઉપર નજર રાખવા માટે સોશિયલ મિડિયા હબની રચનાના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિર્ણય ઉપર નારાજગી વ્યક્ત કરીને કહ્યું છે કે, આ નજર રાખવાની બાબત અયોગ્ય સાબિત થશે. આ પ્રકારની યુક્તિને યોગ્ય ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સરકાર નાગરિકોના વોટ્સએપ સંદેશાઓને ટેપ કરવા માંગે છે કે કેમ તેને લઇને સરકાર પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે. બે સપ્તાહમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ ખાનવીલકર અને જસ્ટિસ ચંદ્રચુડની બેંચે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય મહુવા મોહિત્રાની અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને આ મામલામાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલ પાસેથી સહકારની માંગ કરી છે. બેંચે કહ્યું છે કે, સરકાર નાગરિકોના વોટ્સએપ સંદેશાઓને ટેપ કરવા ઇચ્છે છે અને આ નજર રાખવા સંબંધિત શાસન સમાન છે. મોહિત્રાની અરજીની તરફેણ કરી રહેલા વકીલ એએમ સિંઘવીએ કહ્યું હતું કે, સરકારે અરજીઓ મંગાવી છે અને આ સંદર્ભમાં ૨૦મી ઓગસ્ટના દિવસે આ અરજીઓ ખુલનાર છે. સિંઘવીએ ઉમેર્યું હતું કે, તેઓ સોશિયલ મિડિયા હબ મારફતે સોશિયલ મિડિયાની બાબતોને નજર હેઠળ રાખવા ઇચ્છુક છે. આના પર બેંચે કહ્યું હતું કે, આ સંદર્ભમાં ૨૦મી ઓગસ્ટના દિવસે ટેન્ડર ખુલતા પહેલા આ મામલાને ત્રીજી ઓગસ્ટ માટે સુનાવણી હાથ ધરવા માટે નક્કી કરી રહી છે. એટર્ની જનરલ અથવા તો સરકારના કોઇપણ અધિકારી આ મામલામાં કોર્ટની મદદ કરી શકશે. આ પહેલા ૧૮મી જૂનના દિવસે સુપ્રીમે અરજી પર તરત સુનાવણીનો ઇન્કાર કર્યો હતો.

(7:33 pm IST)