Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

દિલ્હી-NCRમાં મૂશળધાર વરસાદ : તાપમાનમાં ઘટાડો

સચિવાલય સહિત ઘણા વિસ્તારમાં પાણી ભરાયા : લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત

નવીદિલ્હી, તા. ૧૩ : દિલ્હી-એનસીઆરમાં આજે બપોરે ભારે વરસાદના કારણે ગરમી અને બાફથી લોકોને રાહત મળી હતી. કેટલીક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી. ટ્રાફિકમાં પરેશાનીનો સામનો પણ લોકોને કરવો પડ્યો હતો. પાટનગર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં લોકો વરસાદનો ઇન્તજાર કરી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી મોનસુની વાદળો ઘેરાયેલા હતા પરંતુ વરસાદ થઇ રહ્યો ન હતો. દિલ્હીમાં મોનસુન સામાન્યથી એક દિવસ પહેલા એટલે કે ૨૭મી જૂનના દિવસે એન્ટ્રી કરી ગયા બાદ પણ હજુ સુધી ભારે વરસાદ થઇ રહ્યો નથી. છેલ્લા કેટલાક દિવસથી મોનસુનની સ્થિતિ નબળી પડી રહી હતી. હવે વરસાદના કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે. દિલ્હીમાં આજે સવારે વાદળ છાયેલા રહ્યા હતા. તાપમાન ૨૭.૮ ડિગ્રી રહ્યું હતું. દિલ્હી સચિવાલય અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. એકબાજુ દિલ્હીમાં હળવો વરસાદ થઇ રહ્યો છે ત્યારે દેશના અન્ય કેટલાક ભાગોમાં હજુ પણ અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં હજુ પણ હળવો વરસાદ થઇ રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ બિહાર જેવા રાજ્યોમાં પણ ઓછો વરસાદ થયો છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે એકબાજુ ગરમીથી લોકોનો રાહત મળી છેત્યારે બીજી બાજુ ખેડૂત સમુદાયની ચિંતા ઓછા વરસાદગ્રસ્ત વિસ્તારને લઇને અકબંધ રહી છે. કારણ કે, ઓછા વરસાદથી વાવણીની પ્રક્રિયા ઉપર સીધી અસર થઇ છે. કેન્દ્ર સરકાર પણ ઓછા મોનસુની વરસાદના કારણે ચિંતાતુર છે. ઉત્પાદનમાં અસર થઇ શકે છે. ભાવ વધારાની દહેશત પણ રહેલી છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઓછાવરસાદની સ્થિતિ ચિંતા સર્જે છે.

(7:31 pm IST)